દિલ્હીમાં કેજરીવાલે જે નેતાની ટિકિટ કાપી, તેને ગુજરાતમાં સોંપી મોટી જવાબદારી

April 08, 2025

દિલ્હી : આમ આદમી પાર્ટીએ ગુલાબ સિંહ યાદવની ગુજરાતના સહ-પ્રભારી તરીકે નિમણૂક કરી છે. ગુલાબ સિંહે પાર્ટી દ્વારા આપવામાં આવેલી આ નવી જવાબદારી માટે AAP સંયોજક અરવિંદ કેજરીવાલનો આભાર માન્યો છે. ગુલાબ સિંહ યાદવ એ જ વ્યક્તિ છે, જેમની ટિકિટ પાર્ટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કાપી હતી. હવે તેમને ગુજરાતમાં નવી જવાબદારી સોંપવામાં આવી છે.
ગુજરાતના સહ-પ્રભારી બનાવવામાં આવ્યા બાદ ગુલાબ સિંહ યાદવે તેમના એક્સ એકાઉન્ટમાં લખ્યું હતું કે, ‘એવું લાગે છે કે મારો ગુજરાત સાથે જૂનો સંબંધ છે - આભાર અરવિંદ કેજરીવાલ. તમે ફરીથી મારામાં વિશ્વાસ દાખવ્યો છે, હું શક્ય તેટલા બધા પ્રયાસો કરીશ. આ વખતે ગુજરાતમાં એક નવું આંદોલન શરુ થવું જોઈએ, લોકો પોતે જ ભાજપને ઉખેડી નાખવા તૈયાર થઈ જશે.’ તેમણે AAPના એક્સ હેન્ડલ પર કરેલી પોસ્ટને રિ-પોસ્ટ કરતી વખતે આ વાતો લખી હતી.