2008 જયપુર બ્લાસ્ટમાં ચૂકાદો : 4 દોષિતોને આજીવન કેદની સજા

April 09, 2025

જયપુરને હચમચાવી નાખનારા 2008ના બોમ્બ વિસ્ફોટ કેસમાં સજાનુ એલાન કરાયુ છે. કોર્ટે ચાર આતંકવાદીઓ સરવર આઝમી, સૈફુર રહેમાન, મોહમ્મદ સૈફ અને શાહબાઝ અહેમદને આજીવન કેદની સજા ફટકારી છે. આ ચારેયને જીવંત બોમ્બ મળવા મામલે દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

4 એપ્રિલના રોજ ન્યાયાધીશ રમેશ જોશીએ ચારેય આરોપીઓને દોષિત ઠેરવ્યા. 2008 માં થયેલા આ શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં 71 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 185 થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ કેસમાં 17 વર્ષ પછી સજાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણય પીડિતો અને તેમના પરિવારો માટે મોટી રાહત માનવામાં આવી રહ્યો છે.

શું છે મામલો ?
13 મે,2008 ના રોજ જયપુરમાં સાંજે 7.20 થી 7.45 વાગ્યાની વચ્ચે લગભગ 15 મિનિટના અંતરે આ વિસ્ફોટ થયા હતા. બોમ્બ વિસ્ફોટો અલગ અલગ સ્થળોએ થયા હતા. ચાંદપોલ હનુમાન મંદિર પાસે એક જીવતો બોમ્બ મળી આવ્યો હતો, જેને નિષ્ક્રિય કરવામાં આવ્યો હતો. વિસ્ફોટોમાં સાયકલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તેમાં બોમ્બ મૂકવામાં આવ્યા હતા. આ વિસ્ફોટની જવાબદારી ઇન્ડિયન મુજાહિદ્દીને લીધી હતી. ATSના સિદ્ધાંત મુજબ, 2008માં, 12 આતંકવાદીઓ બોમ્બ સાથે બસ દ્વારા દિલ્હીથી જયપુર આવ્યા હતા.