રામ મંદિરના બીજા માળે રામ દરબારમાં સફેદ માર્બલની મૂર્તિ સ્થાપિત કરાશે

April 05, 2025

6 તારીખના રોજ રામ નવમી છે, આ પર્વની ઉજવણી સમગ્ર દેશ વિદેશના રામ મંદિરોમાં કરવામાં આવશે. આયોધ્યા રામ મંદિરનું સંપૂર્ણ કાર્યમાં માત્ર 5% જેટલું કાર્ય બાકી રહ્યું છે. મંદિરના આર્કિટેક ચંદ્રકાંત સોમપુરાએ રામનવમીના અવસરે ગુજરાતી જાગરણ સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, રામ મંદિરના મુખ્ય શિખરનું કામ 80 ટકા પૂરું થઈ ગયું છે. જુનના પ્રથમ સપ્તાહમાં મંદિર સંપૂર્ણ રીતે તૈયાર થઇ જશે. આ પછી ટ્રસ્ટ પૂર્ણ પ્રતિષ્ઠાની તારીખ નક્કી કરશે.

અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના આર્કિટેક્ટ ચંદ્રકાંત સોમપુરાએ જણાવ્યું કે, ગયા વર્ષે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યાં સુધી ગ્રાઉન્ડ ફ્લોર બનાવ્યો હતો. એ પછી સવા વર્ષમાં આખા મંદિરના સેકન્ડ ફ્લોર, થર્ડ ફ્લોર, ઘુમ્મટ અને શામરણનું કામ પૂરું થઈ ગયું છે અને મુખ્ય શિખરનું 80 ટકાથી વધુ કામ પૂરું થઈ ગયું છે જે આગામી એક દોઢ મહિનામાં પૂર્ણ થઈ જશે. આમ પૂર્ણ મંદિરનું કામ જૂન મહિનામાં પૂરું થઈ ગયા પછી પ્રાણ પ્રતિષ્ઠા ટ્રસ્ટ દ્વારા થશે. આ મંદિરને વિષ્ણુ પંચાયતન મંદિર તરીકે તૈયાર કરવામાં આવ્યું છે. કોરિડોરમાં શિવજી, ગણેશજી અને અંબાજીનું મંદિર પણ હશે. મુખ્ય મંદિરના ગ્રાઉન્ડ ફ્લોરમાં ભગવાન શ્રીરામના બાળ સ્વરૂપનું વિગ્રહ પ્રસ્થાપિત કરાયું છે. અમારા અંદાજ મુજબ 20થી 30વચ્ચે સંપૂર્ણ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવશે. અને જુનના પ્રથમ સપ્તાહમાં મંદિર સંપૂર્ણ રીતે તૈયાર થઇ જશે.

મંદિરના બીજા માળમાં કેટલી અને કઈ કઈ મૂર્તિઓ હશે?
તેમણે જણાવ્યું કે, બીજા માળે રામ દરબાર બનાવ્યો છે. જેમાં ભગવાન શ્રીરામ, જાનકી માતા, લક્ષ્મણજી, ભરતજી, શત્રુઘ્નજી અને હનુમાનજીની મૂર્તિ પ્રસ્થાપિત કરાશે. આ મૂર્તિ અત્યારે જોધપુરમાં બની રહી છે. જે આ 15 એપ્રિલ સુધીમાં અયોધ્યા પહોંચી જશે. મૂર્તિ સફેદ પથ્થરમાંથી બનાવવામાં આવી રહી છે. મૂર્તિ એવી હશે કે, સાક્ષાત શ્રીરામ ભગવાનનો દરબાર હોય તેવું દરેક દર્શનાર્થીઓને લાગશે. અહીં ફુલ સાઈઝની મૂર્તિ પ્રસ્થાપિત હશે એટલે કે, ભગવાન સાક્ષાત બેઠા હોય એવી હશે. દરેક મૂર્તિની હાઈ 4થી 5 ફૂટ વચ્ચે રાખવામાં આવી છે.

મંદિરના બીજા માળે 450 પિલ્લર પર 16-16 મૂર્તિ કંડારી
તેમણે જણાવ્યું કે, રામ દરબારમાં બંસીપહાડપુરનો પથ્થર વપરાયો છે. ફ્લોરિંગમાં મકરાણાનો માર્બલ વપરાયો છે. દરેક પિલ્લર પર લગભગ 16-16 મૂર્તિ કંડારવામાં આવી છે. આવા લગભગ 450 પિલ્લર છે. અહીં દરેક સાઈડ દિશાના દિગપાળોની મૂર્તિ પણ કંડારવામાં આવી છે. એટલે શિવશાસ્ત્રમાં જે પ્રામણે લખ્યું છે એ રીતે જ મૂકવામાં આવ્યું છે.