આમોદ પાસે બે કાર અને ટેમ્પા વચ્ચે અકસ્માત, સુરેન્દ્રનગરના બે લોકોના મોત

February 28, 2025

આમોદ : રાજ્યમાં જેમ જેમ રસ્તાઓ સારા બનતા જાય છે, તેમ તેમ અકસ્માતોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ભરૂચના આમોદ નજીક એક્સપ્રેસ હાઇવે પર ત્રિપલ માર્ગ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. અકસ્માતની જાણ થતાં પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 


મળતી માહિતી અનુસાર આમોદ નજીક એક્સપ્રેસ હાઇવે પર 2 કાર અને પીકઅપ ટેમ્પો સહિત કુલ ત્રણ વાહન વચ્ચે અકસ્માતની ઘટના સર્જાઇ છે. સુરેન્દ્રનગરનો પરિવાર ભરૂચ તરફ આવી રહ્યો જેમને અકસ્માત નડ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. અકસ્માત એટલો ભયંકર હતો કે બંને વાહનોનો કુચ્ચો વળી ગયો હતો.  શાકભાજી ભરેલી જઇ રહેલા ટેમ્પોનું ટાયર અચાનક ફાટતાં વાહનચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. આ દરમિયાન ટેમ્પો કાર સાથે અથડાઇ હતી અને અને પાછળથી આવી રહેલી અન્ય કાર સાથે પણ ટક્કર થઇ હતી. આ અકસ્માતમાં ગાડીમાં સવાર ભગવાન સાણી અને ટેમ્પો ચાલક અજય ધીરૂનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.