સાઉદી સાથે F35 ફાઈટર જેટ ડીલ થતાં જ અમેરિકા પર ભડક્યું ઈઝરાયલ, USના અધિકારીઓ પણ ટેન્શનમાં

November 19, 2025

મંગળવારે અમેરિકાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (MBS) વચ્ચે થયેલી મુલાકાતે ઈઝરાયલમાં ઊંઘ ઉડાડી દીધી છે. ઈઝરાયલની ચિંતા વાજબી પણ છે કારણ કે ટ્રમ્પે MBS સાથેની મુલાકાત દરમિયાન સાઉદી અરેબિયાને પોતાનું એડવાન્સ ફાઈટર જેટ આપવાનું એલાન કરી દીધું છે. ટ્રમ્પ સાઉદી અરેબિયાને F-35 ફાઈટર જેટ આપી રહ્યા છે, જેનાથી ઈઝરાયલ મોટો ઝટકો લાગ્યો છે. ઈઝરાયલે અમેરિકાના આ પગલા સામે વાંધો ઉઠાવ્યો છે. ઈઝરાયલની સેના IDF (Israel Defense Forces)નું કહેવું છે કે અમેરિકા અને સાઉદી અરેબિયા વચ્ચે થયેલી ફાઈટર જેટ ડીલથી ઈઝરાયલના હવાઈ લીડને નુકસાન પહોંચી શકે છે. એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ઈઝરાયલી વાયુસેનાએ બેન્જામિન નેતન્યાહૂની સરકારને સોંપેલા એક ઔપચારિક પોઝિશન પેપરમાં ફાઈટર જેટ ડીલ પર વાંધો ઉઠાવ્યો છે. ટ્રમ્પ અને સાઉદી ક્રાઉન પ્રિન્સ વચ્ચે સ્ટીલ્થ ફાઈટર જેટ માટે ડીલ થઈ ગઈ છે. આ ડીલ પછી પણ સાઉદી અરેબિયાને પ્રથમ જેટની ડિલીવરીમાં ઓછામાં ઓછા સાત વર્ષ લાગવાની શક્યકા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે સાઉદી અરેબિયાએ અમેરિકા પાસેથી લગભગ 48 ફાઈટર જેટની માગ કરી છે.  IDF ડોક્યૂમેન્ટ પ્રમાણે ઈઝરાયલી સાનાએ F-35ના વેચાણ સામે વાંધો ઉઠાવ્યો છે અને આ જ તેનું ઓફિશિયલ સ્ટેન્ડ છે. ડોક્યૂમેન્ટ કહેવામાં આવ્યું છે કે, જો મિડલ-ઈસ્ટના અન્ય દેશોને આ એડવાન્સ સ્ટીલ્થ જેટ મળશે તો ઈઝરાયલની હવાઈ લીડ નબળી પડી શકે છે. ઈઝરાયલ પહેલાથી જ આ વાત કહેતું આવ્યું છે.  ઈઝરાયલ મિડલ-ઈસ્ટમાં પોતાની ક્વોલિટી બેસ્ડ સૈન્ય વર્ચસ્વ જાળવી રાખવા માટે સૌથી એડવાન્સ જેટ પોતાની પાસે રાખવા માગે છે. તેના માટે તેણે અમેરિકા સાથે ડીલ પણ કરી છે. અગાઉ જ્યારે તૂર્કીયે અને સંયુક્ત આરબ અમીરાત (UAE) સહિતના અન્ય પડોશી દેશોએ F-35 ખરીદવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ઈઝરાયલે અમેરિકા પર દબાણ કરીને આ ડીલ અટકાવી દીધી હતી.