મ્યાનમારથી પ્રવાસીઓને લઈ જતી બોટ થાઈલેન્ડ-મલેશિયા સરહદ પાસે ડૂબી, 7ના મોત, અનેક લાપતા

November 10, 2025

મ્યાનમારથી રોહિંગ્યા પ્રવાસીઓને લઈને આવતી એક બોટ થાઈલેન્ડ-મલેશિયા સરહદ પાસે ડૂબી ગઈ.બોટમાં આશરે 100 જેટલા પ્રવાસીઓ સવાર હતા, જેમાંથી 7ના મૃતદેહ મળી આવ્યા છે અને 13 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. બોટમાં સવાર મોટાભાગના લોકો ગુમ થયા છે. મલેશિયન સમુદ્રી એજન્સીએ રવિવારે આ માહિતી આપી હતી. 

આ ક્ષેત્રની સમુદ્રી એજન્સીના પ્રમુખ રોમલી મુસ્તફાએ જણાવ્યું કે બચાવ દળ શનિવારે લેંગકાવી દ્વીપ નજીક 170 ચોરસ સમુદ્રી માઈલના વિસ્તારની શોધખોળ કરી રહ્યા હતા, કારણ કે ત્રણ દિવસ પહેલા 300 લોકોને લઈને એક મોટું જહાજ મ્યાનમારના રાખાઇન રાજ્યમાંથી નીકળ્યું હતું.

પોલીસ અન્ય બે હોડીઓની સ્થિતિ અજ્ઞાત છે અને તેમની શોધખોળ ચાલી રહી છે. મ્યાનમારમાં હિંસા અને બાંગ્લાદેશમાં ખરાબ જીવનપરિસ્થિતિઓથી કંટાળીને રોહિંગ્યા સમુદાયના લોકો નિયમિત રીતે જોખમભરી સમુદ્રી મુસાફરી કરે છે, જેમાં મલેશિયા તેમનું મુખ્ય ગંતવ્ય છે. યુનાઇટેડ નેશન્સ રિફ્યુજી એજન્સી (UNHCR)ના આંકડા મુજબ, આ વર્ષે જાન્યુઆરીથી નવેમ્બર સુધી 5,100થી વધુ રોહિંગ્યાઓ મ્યાનમાર અને બાંગ્લાદેશ છોડીને હોડી મારફતે સમુદ્રી મુસાફરી પર નીકળ્યા, જેમાંથી આશરે 600 લોકો મોતને ભેટ્યા છે અથવા ગુમ થયા છે.