બજેટ 2025: સિનિયર સિટીઝનને ડબલ ફાયદો, TDS લિમિટ વધારીને રૂ. 1 લાખ કરાઈ

February 01, 2025

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આજે તેમના બજેટ ભાષણમાં સિનિયર સિટીઝન્સ માટે મોટી રાહતની જાહેરાત કરી છે. જેમાં સિનિયર સિટીઝન્સ માટે વ્યાજની આવક પર વ્યાજ પર TDSની સીમા વધારીને ₹1 લાખ કરવામાં આવી છે. સિનિયર સિટીઝન્સ માટે વ્યાજની આવક પર TDSની સીમા માટેની હાલની મર્યાદા ₹50,000 હતી, જે હવે બમણી કરીને ₹1 લાખ કરવામાં આવી છે. આ સિવાય સરકારે જૂના નેશનલ સેવિંગ્સ સ્કીમ (NSS) ખાતાં ધરાવતા સિનિયર સિટીઝન્સ અને સુપર સિનિયર સિટીઝન્સને પણ રાહત આપી છે. જે ખાતાઓ પર હવે વ્યાજ મળતું નથી તેના પર કરવામાં આવેલો ઉપાડ 29 ઑગસ્ટ, 2024 પછી ટેક્સ ફ્રી કરવામાં આવશે. આ ઉપરાંત નાણાંમંત્રીએ TDSના નિયમો સરળ બનાવવાની જાહેરાત કરી છે, જેથી પ્રક્રિયા સરળ બનશે. આ સાથે સરકાર આવતા અઠવાડિયે સંસદમાં નવું આવકવેરા (IT) બિલ રજૂ કરશે. આ અંગે નાણાંમંત્રીએ કહ્યું કે, 'નવું આવકવેરા બિલ હાલના કાયદા કરતાં અડધું હશે અને તેમાં સ્પષ્ટ અને સરળ ભાષાનો ઉપયોગ કરવામાં આવશે.' વર્ષ 2023-24ના બજેટમાં સિનિયર સિટીઝન્સ માટે બચત યોજનાની ડિપોઝીટ લિમિટ વધારવામાં આવી હતી. આ યોજનાની મહત્તમ ડિપોઝીટ લિમિટ રૂ.15 લાખ રૂપિયાથી વધારીને રૂ. 30 લાખ કરવામાં આવી છે. મંથલી ઇન્કમ એકાઉન્ટ સ્કીમની ડિપોઝીટ લિમિટ પણ ગત વર્ષ કરતાં વધારવામાં આવી હતી. વ્યક્તિગત ખાતા માટે મહત્તમ ડિપોઝીટ લિમિટ રૂ. 4.5 લાખથી વધારીને રૂ. 9 લાખ અને જોઇન્ટ એકાઉન્ટ માટે રૂ. 9 લાખથી વધારીને રૂ. 15 લાખ કરવામાં આવી છે.