ચંદ્રબાબુ નાયડુને મોદી સરકારની ભેટ, 371 કરોડના સ્કિલ ડેવલપમેન્ટ કૌભાંડમાં ઈડીની ક્લિનચીટ

October 16, 2024

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને ટીડીપીના વડા ચંદ્રબાબુ નાયડુને મોટી રાહત મળી છે. ઈડી(Enforcement Directorate)એ 371 કરોડના સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન કૌભાંડમાં ક્લીનચીટ આપી દીધી છે. ગયા વર્ષે જગન મોહન રેડ્ડીની સરકારે આ કથિત કૌભાંડને લઈને CID તપાસ કરાવી હતી. જેના આધારે નાયડુની ધરપકડ કરવામાં આવી હતી. અને નાયડુએ 50 દિવસ વધુ જેલના સળિયા પાછળ વિતાવવા પડ્યા હતા. જો કે તેમને 31 ઓક્ટોબર, 2023 ના રોજ જામીન મળી ગયા હતા. અહેવાલોના જણાવ્યા અનુસાર, ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ચાર્જશીટમાં નામાંકિત ડિઝાઇનટેક સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ અને અન્યની 23.5 કરોડની સંપત્તિ કામચલાઉ રીતે જપ્ત કરી છે.  કેન્દ્રીય એજન્સીની તપાસ અનુસાર, કંપનીના MD વિકાસ વિનાયક ખાનવેલકર, સૌમ્યાદ્રી શેખર બોઝ, જેને સુમન બોઝ (સીમેન્સ ઈન્ડસ્ટ્રી સોફ્ટવેર ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના ભૂતપૂર્વ MD) તરીકે પણ ઓળખવામાં આવે છે. અને તેમના સહયોગી સુરેશ ગોયલ અને મુકુલ ચંદ્ર અગ્રવાલે કથિત રૂપે માલસામાન અથવા સેવાઓના પુરવઠાની આડમાં શેલ કંપનીઓ અથવા નિષ્ક્રિય સંસ્થાઓ દ્વારા બહુ-સ્તરીય વ્યવહારો દ્વારા સરકારી ભંડોળને ડાયવર્ટ કરવા માટે નકલી ઇન્વૉઇસનો ઉપયોગ કર્યો હતો. જો કે, એજન્સીએ જણાવ્યું હતું કે, સિમેન્સ સાથેની ભાગીદારીમાં સ્કીલ ડેવલપમેન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ભંડોળના કથિત દુરુપયોગ સાથે નાયડુનો કોઈ સંબંધ નથી.