અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ, કળશ અને ધ્વજની પણ સ્થાપના

October 27, 2025

અયોધ્યા- અયોધ્યામાં આવેલું હિંદુ ધર્મનું પવિત્ર તીર્થસ્થળ રામ જન્મભૂમિ મંદિરનું નિર્માણકાર્ય પૂર્ણ થયું છે. આશરે 500 વર્ષની રાહ જોયા બાદ અયોધ્યા રામ મંદિર હવે સંપૂર્ણપણે તૈયાર થઈ છે. વર્ષ 2020માં મંદિરના નિર્માણનું કાર્ય શરુ થયું હતું, જેનું ઉદ્ઘાટન 22  જાન્યુઆરી, 2024 માં થયું હતું, પરંતુ કેટલુંક બાંધકામ ચાલુ હતું.  જોકે, હવે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, અયોધ્યામાં રામ મંદિર નિર્માણકાર્ય સાથે જોડાયેલ તમામ કાર્ય પૂર્ણ થઈ ગયું છે, જેમાં મુખ્ય મંદિર, ભગવાન શિવ, ભગવાન ગણેશ, ભગવાન હનુમાન, સૂર્યદેવ, દેવી ભગવતી, દેવી અન્નપૂર્ણા અને શેષાવતારના છ કિલ્લાવાળા મંદિરોનો સમાવેશ થાય છે.
રામ મંદિરના બાંધકામ પૂર્ણ થયા પછી કિલ્લાની દિવાલની અંદર છ મંદિરોમાં ધ્વજદંડ અને કળશ સ્થાપિત કરવામાં આવ્યા છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ પોસ્ટ શેર કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે, પ્રભુ શ્રી રામના તમાન ભક્તોને જણાવતા આનંદ થાય છે કે, મંદિરનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે.