અમેરિકામાં વિરોધ બાદ વોશિંગ્ટન-શિકાગો પર નેશનલ ગાર્ડ્સનું નિયંત્રણ, ટ્રમ્પે કહ્યું- હું તાનાશાહ નથી

August 26, 2025

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વોશિંગ્ટનમાં નેશનલ ગાર્ડ તૈનાત કર્યા છે અને તેના બચાવમાં કહ્યું છે કે, 'હું ગુનાઓ પર અંકુશ લગાવવા માંગું છું. તેમણે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા એક ખાસ યુનિટ બનાવવાનો આદેશ આપ્યો છે. ડેમોક્રેટ્સ આ પગલાને તાનાશાહી કહી રહ્યા છે, જેના પર ટ્રમ્પે 'હું તાનાશાહ નથી' કહીને પોતાનો બચાવ કર્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારે વિરોધનો સામનો કરી રહ્યા છે. તેમણે વોશિંગ્ટનમાં નેશનલ ગાર્ડ્સ તૈનાત કર્યા છે અને હવે શિકાગોને પણ પોતાના નિયંત્રણમાં લેવાની યોજના બનાવી રહ્યા છે. આ દરમિયાન, તેમણે એક ફેડરલ ગવર્નરને પણ બરતરફ કર્યા છે. તેમના વિરોધીઓ આ પગલાંને 'તાનાશાહી' ગણાવી રહ્યા છે. જેના જવાબમાં ટ્રમ્પે કહ્યું, 'હું તાનાશાહ નથી.' ડોનાલ્ડ ટ્રમ્પે વોશિંગ્ટન ડીસીમાં નેશનલ ગાર્ડ તૈનાત કર્યા. તેમણે કહ્યું કે, 'ગુનાઓ પર નિયંત્રણ માટે આ જરૂરી છે અને જરૂર પડ્યે અન્ય શહેરોમાં પણ તૈનાત કરવામાં આવશે.' આ નિર્ણય ત્યારે આવ્યો છે જ્યારે થોડા સમય પહેલા જ એક સર્વેમાં ઘણા અમેરિકનોએ તેમને 'ખતરનાક તાનાશાહ' કહ્યા હતા. વોશિંગ્ટનમાં ગુનાખોરી વધતા તેમણે 'ક્રાઈમ ઈમરજન્સી' જાહેર કરી છે. ટ્રમ્પે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સહી કરીને સંરક્ષણ સચિવ પીટ હેગસેથને એક ખાસ નેશનલ ગાર્ડ યુનિટ તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. આ યુનિટ વોશિંગ્ટનમાં જાહેર સુરક્ષા જાળવશે અને તેના સભ્યોને ફેડરલ કાયદાઓ લાગુ કરવાની સત્તા પણ અપાશે. આ યુનિટને સમગ્ર દેશમાં ઝડપી તૈનાતી માટે પણ તૈયાર રખાશે. ઓર્ડર પસાર કર્યા બાદ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં વિરોધીઓની મજાક ઉડાવતા કહ્યું, 'તેઓ મને તાનાશાહ કહે છે, પણ હું તાનાશાહ નથી. હું સમજદાર અને કોમન સેન્સ ધરાવતો માણસ છું.' તેમણે એવું પણ જણાવ્યું કે તેઓ હવે શિકાગોમાં નેશનલ ગાર્ડ્સ તૈનાત કરી શકે છે. ડેમોક્રેટ નેતાઓએ ટ્રમ્પના તાજેતરના પગલાને તાનાશાહી ગણાવીને આરોપ લગાવ્યો છે કે તેઓ ઘટતી લોકપ્રિયતા પરથી ધ્યાન હટાવવા માટે શહેરોનું લશ્કરીકરણ કરી રહ્યા છે. કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂઝમે પણ આ પગલાને અમેરિકન શહેરો પરનો તાનાશાહી કબજો ગણાવ્યો. આ ઉપરાંત, ટ્રમ્પે ફેડરલ રિઝર્વના સભ્ય લીઝા ડી. કૂકને છેતરપિંડીના આરોપોને કારણે રાજીનામું ન આપવા બદલ બરતરફ કરવાની ધમકી આપીને તેમને પદ પરથી હટાવ્યા છે.