અમરનાથ ગુફામાં પ્રગટ થયું દિવ્ય શિવલિંગ

May 06, 2025

બાબા બર્ફાનીના ભક્તો હંમેશા તેમના ખાસ દર્શન માટે ઉત્સુક રહે છે અને અમરનાથ યાત્રા શરૂ થવાના 2 મહિના પહેલા ભગવાન શિવના બરફથી બનેલા શિવલિંગના દર્શન તમે કરી શકો છો. અમરનાથ યાત્રાની સત્તાવાર શરૂઆત થવામાં હજુ 2 મહિના બાકી છે, પરંતુ કેટલાક શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફા સુધી પહોંચી ગયા છે અને તેમણે જ ગુફામાં આ ફોટા પાડ્યા છે. પંજાબનો રહેવાસી આ ભક્ત થોડા દિવસ પહેલા ગુફાની મુલાકાત લેવા ગયો હતો. જોકે, સત્તાવાર રીતે શ્રાઈન બોર્ડના કોઈ અધિકારી કે સુરક્ષા કર્મચારી હજુ સુધી ગુફા સુધી પહોંચી શક્યા નથી.

આ વર્ષની અમરનાથ યાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને યાત્રા રૂટ પર બરફ સાફ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. યાત્રાના નિર્ધારિત સમય પહેલા ટ્રેક બનાવવાનું કામ પૂર્ણ કરી શકાય તે માટે બંને રૂટ (બાલતાલ અને ચંદનવાડી) પરથી બરફ કાપવાનું અને ટ્રેકને પ્રવાસીઓ માટે યોગ્ય બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જોકે, સમગ્ર રૂટ પર ભારે બરફવર્ષાને કારણે આ કાર્યમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.