હિંમતનગર-શામળાજી હાઈવે પર DySpની કાર સળગાવી સ્થાનિકોનો હોબાળો

May 24, 2024

હિંમતનગર : હિંમતનગરથી પસાર થતા નેશનલ હાઈવે નંબર-8 પર આજે વહેલી સવારે એક સ્થાનિક રાહદારીનું મોત થયું હતું. જેના પગલે રોષે ભરાયેલા ગામના લોકોએ હાઈવે પર ચક્કાજામ કરીને ભારે વિરોધ નોંધાવ્યો છે. હાઈવે પર ટાયર સળગાવીને, પથ્થર, ઝડાના મોટા થડ મુકીને ચક્કાજામ કર્યો છે. 
સાબરકાંઠાના હિંમતનગર- શામળાજી નેશનલ હાઇવે નંબર-8ના ગામડી પાસે આજે વહેલી સવારે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જેના પગલે ગ્રામજનો વિફર્યા હતા અને હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. રોષે ભરાયેલા લોકોમાંથી કેટલાકે ત્રણથી ચાર ગાડીના કાંચ ફોડી નાખ્યા હતા. તેમજ ડી.વાય.એસ.પીની ગાડીમાં પણ આગચાંપી છે. હાઈવે પર લોકોએ કાયદાને હાથમાં લેતા પોલીસે ના છૂટકે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી છે.
નેશનલ હાઈવે નંબર-8 પર રોજબરોજ અનેક વાહનો પસાર થતાં હોય છે. ત્યારે આજે ગ્રામજનો દ્વારા ચક્કાજામ કરવામાં આવતા બંન્ને બાજુએ વાહનોની લાંબી લાઈન જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે ગામડી ગામ પાસે છાશવારે અકસ્માતની ઘટના બને છે જેને લઈ ગ્રામજનોએ અનેક વખત બ્રિજ બનાવવા માટે રજૂઆતો કરી છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં ન આવતા ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.