AAP નેતા સૌરભ ભારદ્વાજના ઘર સહિત 13 ઠેકાણા પર EDના દરોડા, હોસ્પિટલ કૌભાંડમાં કાર્યવાહી

August 26, 2025

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ મંત્રી સૌરભ ભારદ્વાજના ઘર સહીત 13 સ્થળોએ દરોડા પાડ્યા છે. દિલ્હીની ભ્રષ્ટાચાર વિરોધી શાખા (ACB)એ જૂનમાં પૂર્વ આરોગ્ય મંત્રી સૌરભ ભારદ્વાજ અને સત્યેન્દ્ર જૈન સામે કેસ નોંધ્યો હતો, જેમાં AAP સરકાર દરમિયાન આરોગ્ય માળખાગત સુવિધાઓ સંબંધિત પ્રોજેક્ટ્સમાં મોટા પાયે ભ્રષ્ટાચારનો આરોપ મૂકવામાં આવ્યો હતો. બાદમાં આ કેસ ઈડીને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો, અને કેન્દ્રીય એજન્સીએ જુલાઈમાં કેસ નોંધ્યો હતો. અહેવાલો અનુસાર,  5,590 કરોડ રૂપિયાના કથિત કૌભાંડમાં AAPના કાર્યકાળના બે આરોગ્ય મંત્રીઓ, સૌરભ ભારદ્વાજ અને સત્યેન્દ્ર જૈનની ભૂમિકા તપાસ હેઠળ છે. ઈડી અનુસાર, આમ આદમી પાર્ટી સરકારે 2018-19માં 24 હોસ્પિટલ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી હતી. યોજના છ મહિનામાં ICU હોસ્પિટલો તૈયાર કરવાની હતી, પરંતુ એવો દાવો કરવામાં આવે છે કે કામ હજુ પૂર્ણ થયું નથી, જ્યારે 800 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં માત્ર 50% કામ પૂર્ણ થયું છે. ઈડી તપાસમાં સામે આવ્યું કે,દિલ્હી સરકારની લોકનાયક હોસ્પિટલનો બાંધકામ ખર્ચ 488 કરોડ રૂપિયાથી વધીને 1,135 કરોડ રૂપિયા થઈ ગયો. ઘણી હોસ્પિટલોમાં યોગ્ય મંજૂરી વિના બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું.