સુરતમાં આજે પણ વરસાદી માહોલ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

September 28, 2024

સુરત શહેરમાં આજે પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. વહેલી સવારથી જ સુરત શહેરમાં વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. બીજી તરફ સુરત શહેરમાં આવેલો કોઝવે ઓવરફલો હોવાથી નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે જયારે ઉકાઈ ડેમમાં પાણીની આવક થતા ડેમની સપાટી આજે સવારે 10 કલાકે 344 ફૂટ પર પહોંચી હતી.
ચોમાસાની ઋતુ પૂર્ણ થવાને આરે છે ત્યારે સુરત જિલ્લામાં ફરી એક વખત વરસાદી માહોલ જોવા મળ્યો છે.

સુરત શહેરમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. બીજી તરફ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અખંડ આનંદ કોલેજથી કોઝવે તરફના રસ્તા પર પાણી ભરાયા હતાં જેને લઈને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત વહેલી સવારથી જ વરસાદી માહોલ હોય નોકરી ધંધે જતા લોકો તેમજ શાળા કોલેજ જતા લોકોને છત્રી તેમજ રેઇનકોટ સાથે જવાની ફરજ પડી હતી.