રાજસ્થાનમાં ભીષણ ગરમી : પાક. સરહદે પારો 55 ડિગ્રી પાર

May 27, 2024

રાજસ્થાનમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે. સમગ્ર રાજ્ય અંગ દઝાડતી ગરમી અને લૂથી ત્રાહિમામ પોકારી ઊઠયું છે. ભારત-પાકિસ્તાનની પશ્ચિમી સરહદ પર પણ અગનગોળા વરસી રહ્યા છે અને રણની રેત જાણે આગના દરિયામાં ફેરવાઇ ગઇ છે. પાકિસ્તાન સરહદે ગરમીનો પારો 55 ડિગ્રી સે. પાર જઇ ચૂક્યો છે.

હવામાન વિભાગના જણાવ્યાનુસાર આખા ક્ષેત્રમાં ગરમ અને શુષ્ક પશ્ચિમી પવન ફુંકાઇ રહ્યો છે, જે સિંધ, બલૂચિસ્તાન અને થાર રેગિસ્તાન જેવા ક્ષેત્રોમાંથી આવી રહ્યો છે. આ પવન એ ક્ષેત્રોમાંથી પસાર થઇ રહ્યો છે કે જ્યાં તાપમાન 50 ડિગ્રી સુધી પહોંચી રહ્યું છે. આ કારણથી સમગ્ર રાજસ્થાનમાં અસહ્ય ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે.

રાજસ્થાનમાં ભીષણ ગરમીનો પ્રકોપ હજુ બે-ત્રણ દિવસ સુધી જારી રહેવાની હવામાન વિભાગની આગાહી છે. રાજ્યમાં ગરમીના કારણે છેલ્લા ચાર દિવસમાં 24 લોકોના મોત થયા છે. રવિવારે જાલૌર અને નાગૌરમાં એક-એક મોત થયું હતું. છેલ્લા 24 કલાકમાં રાજસ્થાનના ફલૌદીમાં 50 ડિગ્રી સે. તાપમાન નોંધાયું હતું.

જેસલમેર, બાડમેર અને જોધપુરમાં મહત્તમ તાપમાન 48 ડિગ્રી, ગંગાનગર, બીકાનેર અને જયપુરમાં 47 ડિગ્રી, કોટામાં 46 ડિગ્રી જ્યારે ચિત્તોડગઢ, ફતેહપુર અને ભીલવાડામાં 45 ડિગ્રી સે. આસપાસ છે. રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં રવિવારે 44 ડિગ્રી સે.થી વધુ તાપમાન નોંધાયું હતું.