બાંગ્લાદેશના પૂર્વ PM શેખ હસીનાને ફાંસી, માનવતા વિરુદ્ધના ગુના બદલ દોષિત જાહેર

November 17, 2025

બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય અપરાધ ન્યાયાધિકરણ (ICT) એ પૂર્વ વડાપ્રધાન શેખ હસીના વિરુદ્ધના કેસમાં પોતાનો ચુકાદો સંભળાવતા અત્યંત ગંભીર અને ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ટ્રિબ્યુનલે શેખ હસીના, તેમના પૂર્વ ગૃહમંત્રી અને પૂર્વ પોલીસ વડાને 2024માં થયેલા વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલી હિંસા માટે "માનવતા વિરુદ્ધના ગુનાઓ" માટે દોષિત ઠેરવ્યા છે. આ સાથે તેમને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.  શેખ હસીનાની સાથે આ મામલે પૂર્વ ગૃહમંત્રી અસદુજ્જમાન ખાન કમાલ અને પૂર્વ ડીજીપી ચૌધરી અબ્દુલ્લા અલ મામૂન પણ આરોપી છે. તમામે માનવતા વિરુદ્ધ ગુના કર્યા છે અને બધાને સજા એ મૌત આપવામાં આવી રહી છે.  ટ્રિબ્યુનલે પોતાના ચુકાદામાં જણાવ્યું કે, "શેખ હસીનાએ શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર હેલિકોપ્ટરથી બોમ્બ ફેંકવાના આદેશ આપ્યા હતા." આપરાધિક ષડયંત્ર: ટ્રિબ્યુનલે કહ્યું કે શેખ હસીના અને અન્ય આરોપીઓએ સંયુક્ત રીતે એક ગુનાહિત ષડયંત્ર રચ્યું હતું. તેમની પાર્ટી, અવામી લીગના કાર્યકર્તાઓ, પાર્ટીના નેતૃત્વની સંપૂર્ણ જાણકારી હેઠળ સુનિયોજિત રીતે રસ્તા પર ઉતરી આવ્યા અને પ્રદર્શનકારીઓ પર હુમલા કર્યા. પુરાવા તરીકે ફોન કોલ્સ: ટ્રિબ્યુનલમાં શેખ હસીના અને તેમના મંત્રી હસનુલ હક ઇનુ વચ્ચે થયેલી ફોન પરની વાતચીત પણ વાંચીને સંભળાવવામાં આવી, જેથી હિંસામાં ટોચના નેતૃત્વની ભૂમિકા સાબિત કરી શકાય. આ વાતચીતથી સ્પષ્ટ થયું કે કેવી રીતે શેખ હસીનાએ વિદ્યાર્થીઓના આંદોલનને આતંકવાદી ગતિવિધિ તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો. સુરક્ષા દળોનો દુરુપયોગ: ચુકાદા મુજબ, મોટાભાગના મૃત્યુ બાંગ્લાદેશી સુરક્ષા દળો દ્વારા ઉપયોગમાં લેવાતી ઘાતક ધાતુના છરા ભરેલી સેનાની બંદૂકોથી થયેલી ગોળીબારને કારણે થયા હતા. સેના, પોલીસ અને RAB (રેપિડ એક્શન બટાલિયન) એ ન્યાયિક પ્રક્રિયાની બહાર જઈને હત્યાઓ કરી હતી. ટ્રિબ્યુનલે શેખ હસીનાની સાથે આ મામલે પૂર્વ ગૃહમંત્રી અસદુઝ્ઝમાન ખાન કમાલ અને પૂર્વ પોલીસ મહાનિરીક્ષક ચૌધરી અબ્દુલ્લા અલ મામૂનને પણ સમાન રીતે દોષિત ઠેરવ્યા છે. ટ્રિબ્યુનલે કહ્યું કે ત્રણેયે મળીને માનવતા વિરુદ્ધના ગુના કર્યા. ટ્રિબ્યુનલના જણાવ્યા અનુસાર, આ હિંસામાં લગભગ 1400 લોકોની હત્યા કરવામાં આવી હતી અને 11,000થી વધુ લોકોને હિરાસતમાં લેવામાં આવ્યા હતા અથવા તેમની ધરપકડ કરવામાં આવી હતી. ટ્રિબ્યુનલે સંયુક્ત રાષ્ટ્ર (UN)ના અહેવાલનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં કહેવાયું હતું કે રાજકીય નેતૃત્વના નિર્દેશ પર હિરાસતમાં લોકોને ભયાનક યાતનાઓ આપવામાં આવી હતી.