ગુજરાતમાં નવરાત્રિમાં જ્યાં સુધી રમવા હોય ત્યાં સુધી ગરબા રમી શકાશે

September 28, 2024

નવરાત્રિમાં ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં હવે નવરાત્રિમાં આખી રાત ગરબા રમી શકાશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે. હર્ષ સંઘવીના જણાવ્યું કે, ખેલૈયાઓ જેટલાં વાગ્યા સુધી ઈચ્છે ગરબા રમી શકશે. હર્ષ સંઘવીએ એક્સ પર પોસ્ટ કરતાં કહ્યું કે, 'નવરાત્રિનો પાવન પર્વ આવી રહ્યો છે. મા અંબાની ભક્તિ અને શક્તિમાં રંગાવા સૌ ભક્તો તૈયાર થઈ ગયાં છે. નવરાત્રિના આ પાવન અવસરે સૌ ખેલૈયાઓ મા અંબાની ભક્તિ અને શક્તિમાં રંગાઈ શકે અને ગરબે ઘૂમી શકે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ મોડી રાત સુધી ખેલૈયાઓ નવરાત્રિ રમી શકે અને વેપારી તેમજ ફેરિયાઓનો ધંધો-રોજગાર ચાલી શકે તે માટે ચિંતા કરવામાં આવે છે. આ વિશે પોલીસને પણ સૂચના અપાઈ છે કે, રાજ્યના તમામ નાગરિકો ઉત્સાહ સાથે નવરાત્રિની ઉજવણી કરી શકે તેમની ચિંતા કરવામાં આવે.' 
હર્ષ સંઘવીએ લોકોને નવરાત્રિની શુભકામના આપતા કહ્યું કે, સૌ ખેલૈયા અને આયોજકોને વિનંતી છે કે, આપણા ડીજે, સાઉન્ડ, બેન્ડ આપણાં જ આજુબાજુના રહેતાં લોકો, હોસ્પિટલની બાજુમાં હોય તો ત્યાં લોકો હેરાન ન થાય તેની જવાબદારી આપણી છે. રાજ્યમાં મોડે સુધી ગરબા રમી શકાય તે માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે.