ગુજરાત હાઈકોર્ટનો નિર્દેશઃ નવરાત્રિ પહેલાં હેલ્મેટના કાયદાનું પાલન કરાવો, ઉલ્લંઘન કરે તો લાઇસન્સ સસ્પેન્ડ કરો

September 28, 2024

પાંજરાપોળથી આઇઆઇએમ સુધી ફલાયઓવરના સૂચિત પ્રોજેકટ, ટ્રાફિક અને વધતા જતાં અકસ્માતો મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીમાં આજે ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે ફરી એકવાર નવરાત્રિ પહેલાં ટુ વ્હીલર વાહનચાલકો માટે હેલ્મેટ ફરજિયાતપણે પહેરવાના નિયમોનું પાલન કરાવવા રાજય સરકારને કડક નિર્દેશ કર્યો છે. હાઇકોર્ટે એમ પણ જણાવ્યું કે, દ્વિચક્રી વાહનચાલકો ત્રણ વખત હેલ્મેટના નિયમોનો ભંગ કરતાં પકડાય તો પછી આવા વાહનચાલકોનું લાઇસન્સ રદ્દ કે સસ્પેન્ડ થવા જોઈએ. હાઈકોર્ટે નવરાત્રિ પહેલાં અમદાવાદ શહેરના રોડ-રસ્તાઓ રીસરફેસ કરવા અને હેલ્મેટના નિયમોનું પાલન કરાવવા સ્પષ્ટ શબ્દોમાં સરકાર અને એએમસીને જણાવ્યું હતું. હાઈકોર્ટે કેસની વધુ સુનાવણી 4 ઓકટોબરે રાખી છે. જેથી નવરાત્રિ પહેલાં કેટલું કામ થયુ તેનું વિશ્લેષણ કરી શકાય. ગઈ કાલે કેસની સુનાવણીની શરૂઆતમાં જ ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે સરકાર પક્ષને માર્મિક ટકોર કરી હતી કે, અગાઉ હાઇકોર્ટે સ્પષ્ટ નિર્દેશ આપ્યા હોવા છતાં હેલ્મેટના નિયમોનું કડકાઈથી પાલન કરાયું નથી. હવે નવરાત્રિ આવશે એટલે એવી માંગણી આવશે કે, નવરાત્રિ દરમિયાન હેલ્મેટ પહેરવાના નિયમો હળવા કરો. પરંતુ, નવરાત્રિના સમયગાળામાં જ સૌથી વધારે અકસ્માત નોંધાતા હોય છે. ગત વર્ષે પણ જોવા મળ્યું હતું કે, નવરાત્રિના સમય દરમિયાન જ  અકસ્માત અને મેડિકલ ઈમરજન્સીની ઘટનાઓ નોંધપાત્ર રીતે બની હતી. નાગરિકો હેલ્મેટ પહેરે તેને લઈને સરકાર અને તંત્રએ જાગૃતિ તેમજ ઝુંબેશ ચલાવવી જોઇએ અને જો હેલ્મેટ વગર કે ટ્રાફિકના નિયમોનો ભંગ કરતાં ઝડપાય તો તેમનું લાઇસન્સ સસ્પેન્ડ કે રદ કરવું જોઈએ. બાકી તો આ નિયમો કોઈ ગણકારે તેમ નથી. નવરાત્રિ પહેલાં હેલ્મેટના નિયમોનું પાલન થવું જોઈએ.