હેલિકોપ્ટર રાઈડ, ટાઈગર સફારી... મધ્ય પ્રદેશમાં SIRના ટારગેટ પૂરા કરનારા BLO પર ઈનામોનો વરસાદ

November 29, 2025

મધ્ય પ્રદેશમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની કામગીરીમાં નિર્ધારિત સમયમર્યાદા પહેલાં જ ટારગેટ અચિવ કરનારા બૂથ-લેવલ ઓફિસરો (BLO) પર હાલમાં જિલ્લા વહીવટી તંત્ર તરફથી અનોખા ઇનામોનો વરસાદ થઈ રહ્યો છે. ઉત્કૃષ્ટ કામગીરી બદલ આ BLOને ટાઈગર સફારી, મૂવી ટિકિટ અને હેલિકોપ્ટર જોય રાઇડ જેવાં આકર્ષક ઈનામ મળી રહ્યાં છે. અહેવાલો અનુસાર, જબલપુર જિલ્લામાં પનાગર વિધાનસભા મતવિસ્તારમાંથી સ્નેહલતા પટેલે ઉદાહરણરૂપ કામગીરી કરી છે. સ્નેહલતા પટેલ તેના વિસ્તારના તમામ બૂથનું 100 ટકા ડિજિટાઇઝેશન પૂર્ણ કરનાર જિલ્લાની પહેલી BLO સુપરવાઇઝર બની હતી. તેણે કુલ 7,706 મતદાર ફોર્મ સમય પહેલાં અપલોડ કરી દીધા હતા. કલેક્ટર રાઘવેન્દ્ર સિંહની સૂચના અનુસાર, સ્નેહલતા પટેલને ઇનામ તરીકે પીએમ શ્રી હેલી ટુરિઝમ સર્વિસ દ્વારા વિશ્વ પ્રસિદ્ધ પર્યટન સ્થળો કાન્હા અને બાંધવગઢની હેલિકોપ્ટરની રાઈડ આપવામાં આવી હતી. રીવા જિલ્લામાં પણ BLOએ સમય કરતાં વહેલા કામગીરી પૂર્ણ કરીને અન્ય BLO માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. જિલ્લામાં 12 BLOએ ચૂંટણી પંચની સમયમર્યાદા (ચોથી ડિસેમ્બર)ના 14 દિવસ પહેલાં જ મતદાર ગણતરી શીટનું 100 ટકા ડિજિટાઇઝેશન પૂર્ણ કર્યું. જિલ્લા કલેક્ટર પ્રતિભા પાલે આ 'સુપર BLO'નું કલેક્ટર કચેરી ખાતે સન્માન કર્યું હતું. પુરસ્કાર તરીકે, તમામ BLOને પ્રમાણપત્ર, તેમના પરિવારો સાથે મુકુંદપુર વ્હાઇટ ટાઇગર સફારીની સફર અને મૂવી ટિકિટ આપવામાં આવી. તેમણે જણાવ્યું હતું કે, 'આ BLOએ નિર્ધારિત સમય કરતાં વહેલા લક્ષ્યાંક પ્રાપ્ત કરીને અન્ય તમામ કર્મચારીઓ માટે પ્રેરણારૂપ કામગીરી કરી છે.'