માનવાધિકાર અમારી લોકશાહીના સિધ્ધાંતોનો અતૂટ હિસ્સો છેઃ વિદેશ મંત્રી જયશંકરે યુએનની હ્યુમન રાઈટ્સ કાઉન્સિલને સંબોધન કર્યુ

February 27, 2024

જિનિવા: સ્વિત્ઝરલેન્ડના જિનિવામાં યુએનની માનવાધિકાર પરિષદનો સોમવારથી પ્રારંભ થયો છે. હ્યુમન રાઈટ કાઉન્સિલનુ આ 55મુ સત્ર છે અને તે અત્યાર સુધીનુ સૌથી લાંબુ સત્ર હશે તેમજ એપ્રિલ સુધી ચાલશે. ભારત વતી વિદેશ મંત્રી એસ જયશંકરે સંદેશ આપતા કહ્યુ હતુ કે, ભારત માનવાધિકારોની સુરક્ષા માટે કામ કરતુ રહેશે. ભારતના પ્રતિનિધિ મંડળ તેમજ હાઈકમિશન દ્વારા હ્યુમન રાઈટ કાઉન્સિલને સંપૂર્ણપણે સહયોગ પણે સહોયગ આપશે. ભારતની લોકશાહી વ્યવસ્થાના સિધ્ધાંતો તેમજ વિવિધતાભરી વિચારણસરણીમાં માનવાધિકારીની સુરક્ષાની ભાવના ઉંડે સુધી સમાયેલી છે. એસ જયશંકરે વર્ચ્યુલ સંબોધનમાં આગળ કહ્યુ હતુ કે, હવે યુએનના  જૂના બંધારણમાં સુધારા કરવાનો, તેનુ  સંચાલન કરવામાં જે પણ ખામીઓ છે તે સુધારવાનો અને વૈશ્વિક વાસ્તવિકતાઓને સ્વીકારીને બહુપક્ષીય માળખુ ઉભુ કરવાનો સમય આવી ગયો છે. ભૌગોલિક અને રાજકીય પડકારોનુ સ્થાયી સમાધાન શોધવા માટે સંયુક્ત રાષ્ટ્રમાં અને તેની બહાર પણ ભેગા થઈને કામ કરવાની આપણી સામૂહિક જવાબદારી છે અને તમામ દેશોના હિતમાં પણ છે. આવુ કરતા પહેલા આપણે યુએનમાં બહુપક્ષીયવાદને વિશ્વસનીય, પ્રભાવી અને જવાબદાર બનાવવાની જરુર છે. આ માટે હવે સમય આવી ગયો છે કે, જૂના બંધારણમાં ફેરફાર કરવામાં આવે. યુએનની હ્યુમન રાઈટ્સ કાઉન્સિલની સ્થાપના 2006માં કરવામાં આવી હતી. દુનિયામાં ગાઝા અને ઈઝરાયેલ યુધ્ધ, યુક્રેન અને રશિયા યુધ્ધ ચાલી રહ્યુ છે ત્યારે આ બેઠક મહત્વની મનાઈ રહી છે. જેમાં રાજકીય, નાગરિક, આર્થિક, સામાજિક તેમજ સાંસ્કૃતિક અધિકારો પર ચર્ચા થશે. આ બેઠકમાં 47 સભ્ય દેશોના પ્રતિનિધિઓની સાથે સાથે સ્વતંત્ર નિષ્ણાતો, વિવિધ એજન્સીઓ તેમજ નાગરિક સંગઠનોના પ્રતિનિધિઓ હાજરી આપશે.