ડોનાલ્ડ ટ્રમ્પ એક્શન મોડમાં : 1 ફેબ્રુઆરીથી ચીન પર 10 ટકા ટેરિફ લાદવાની ફિરાકમાં

January 22, 2025

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લેતા પહેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે ફોન પર વાત કરી હતી. તેમણે આ વાતચીતને અદ્ભુત ગણાવી હતી. પરંતુ હવે શપથ લીધા બાદ ટ્રમ્પ ચીન વિરુદ્ધ મોટું પગલું ભરી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ એક્શન મોડમાં છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું છે કે તેમની ટીમ 1 ફેબ્રુઆરીથી ચીન પર 10 ટકા ટેરિફ લાદવાનું વિચારી રહી છે. ટ્રમ્પે કહ્યું કે ચીન પર ટેરિફ લાદવાનો નિર્ણય તે મેક્સિકો અને કેનેડાને ફેન્ટાનીલ મોકલી રહ્યું છે કે કેમ તેના પર આધારિત હશે. 'ફેન્ટાનિલ' એક પ્રકારનું માદક દ્રવ્ય છે જે હેરોઈન કરતાં 50 ગણું વધુ શક્તિશાળી અને વ્યસનકારક છે.

ડોનાલ્ડ ટ્રમ્પે 'વ્હાઈટ હાઉસ' ખાતે ઓરેકલના ચીફ ટેક્નોલોજી ઓફિસર (સીટીઓ) લેરી એલિસન, સોફ્ટબેંકના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) માસાયોશી સોન અને ઓપન એઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેન સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું, "અમે ચીન પર છીએ. 10 ટકા ડ્યુટી લાદવાનું વિચારી રહ્યા છીએ, જે એ હકીકત પર આધારિત હશે કે ચીન મેક્સિકો અને કેનેડાને 'ફેન્ટાનાઇલ' મોકલી રહ્યું છે."