અમેરિકા માટે ભારત મહત્ત્વનું, એસ.જયશંકર સાથે માર્કો રુબિયોની બેઠક

January 22, 2025

ડોનાલ્ડ ટ્રંપ રાષ્ટ્રપતિ પદ સંભાળતા જ એક્શન મોડમાં આવી ગયા છે. આ સાથે જ કેન્દ્રીય વિદેશમંત્રી એસ.જયશંકર સાથે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોએ પ્રથમ બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન કેન્દ્રીય વિદેશમંત્રી એસ.જયશંકરે જણાવ્યુ હતુ કે, અમેરિકા સાથે કામ કરવા તેઓ તત્પર છે.    

બીજીવાર ડોનાલ્ડ ટ્રંપ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લઇ ચુક્યા છે. ટ્રંપ સરકારે કાર્યભાર સંભાળતા જ ભારત માટે પોતાનું મહત્ત્વ દર્શાવ્યુ છે. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયો અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઇક વોલ્જે ભારતના કેન્દ્રીય વિદેશમંત્રી એસ.જયશંકર સાથે પોતાની પ્રથમ દ્વીપક્ષીય આંતરરાષ્ટ્રીય બેઠક યોજી હતી. કેન્દ્રીય વિદેશમંત્રી એસ.જયશંકર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે અમેરિકા પહોંચ્યા હતા.

દુનિયાના બે સૌથી જુના અને સૌથી મોટા લોકતંત્રનુ પ્રતિનિધિત્વ કરનાર બે મુખ્ય રાજનેતાઓ વચ્ચેની આ બેઠક, અમેરિકાના વિદેશી વિભાગના ફોગી બોટમ મુખ્યાલયમાં યોજાઇ હતી. દ્વીપક્ષીય બેઠક અગાઉ ડોનાલ્ડ ટ્રંપના રાષ્ટ્રપતિ બન્યા બાદ આ પ્રથમ બેઠક યોજવામાં આવી હતી.