ભારત સાથે અમેરિકાની પહેલી દ્વિપક્ષીય બેઠક, એસ.જયશંકર સાથે ચર્ચા કરશે રૂબિયો

January 22, 2025

અમેરિકાના નવા વિદેશ મંત્રી માર્કો રૂબિયો પોતાની પહેલી દ્વિપક્ષીય બેઠક ભારતીય વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ્ જયશંકર સાથે આજે વૉશિંગ્ટનમાં કરશે. ડૉ. એસ. જયશંકર અહીં અમેરિકન સરકારના આમંત્રણ પર પહોંચ્યા છે. તેઓ ડોનાલ્ડ ટ્રમ્પના 47માં અમેરિકન પ્રમુખ તરીકેના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા. 

અમેરિકન વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર, 'વિદેશ મંત્રી રૂબિયો ભારતીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે વિદેશ મંત્રાલયના હેડક્વાર્ટરમાં મુલાકાત કરશે.' આ બેઠક ફૉગી બૉટમ સ્થિત સ્ટેટ ડિપાર્ટમેન્ટના હેડક્વાર્ટરમાં યોજાશે.

આ પહેલા રૂપિયોએ ઈન્ડો-પેસિફિક ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓ સાથે પોતાની પહેલી બહુપક્ષીય બેઠક યોજી. QUAD એક અનૌપચારિક સમૂહ છે, જેમાં ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને અમેરિકા સામેલ છે. માર્કો રૂપિયો દ્વારા QUAD બેઠક અને ભારત સાથે દ્વિપક્ષીય વાતચીતને પ્રાથમિકતા આપવી કુટનીતિક દૃષ્ટિથી મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે અમેરિકન તંત્રની પહેલી વિદેશ નીતિની પહેલ કેનેડા અને મેક્સિકો જેવા પાડોશી દેશો અથવા NATO સહયોગીઓની સાથે થાય છે.