કોલ્ડપ્લેનો ક્રેઝ, અમદાવાદના શૉની ટિકિટ ખરીદવામાં ગુજરાત કરતા મહારાષ્ટ્ર આગળ

January 22, 2025

અમદાવાદ  : ગુજરાતીઓને એ જાણીને આશ્ચર્ય થશે કે અમદાવાદમાં યોજાનાર બ્રિટિશ બેન્ડ 'કોલ્ડપ્લે' ના કોન્સર્ટ માટે ટિકિટ મેળવવામાં મહારાષ્ટ્રના ચાહકો ગુજરાતના ચાહકો કરતા આગળ નીકળી ગયા છે. જો આંકડાઓ પર નજર નાખીએ તો મહારાષ્ટ્રમાં રહેતા લોકોએ 25 અને 26 જાન્યુઆરીના રોજ પ્રતિષ્ઠિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનાર બે દિવસીય કાર્યક્રમ માટે ગુજરાતના કોલ્ડપ્લે ચાહકો કરતાં 10,000 થી વધુ ટિકિટો ખરીદી છે.

આયોજકોના નજીકના સૂત્રના જણાવ્યા અનુસાર, 21 જાન્યુઆરી સુધીમાં મહારાષ્ટ્રમાં 59,321 ટિકિટ વેચાઈ ગઈ છે, જ્યારે ગુજરાતમાં 48,521 ટિકિટ વહેંચાઇ છે. આ દર્શાવે છે કે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં કોન્સર્ટમાં હાજરી આપનારા મોટાભાગના ચાહકો બહારના રાજ્યોથી છે. કોલ્ડપ્લેની કાયમી વૈશ્વિક અપીલ અને આંતરરાષ્ટ્રીય સંગીતનો અનુભવ મેળવવા માટે દેશભરના ચાહકો  અમદાવાદ આવી રહ્યા છે.