શેરબજારમાં ટ્રેડિંગના નામે રૂ. 27 કરોડની છેતરપિંડી, ગેંગના 29 સભ્યો ગાંધીનગરમાં ઝડપાયા

September 27, 2024

ગાંધીનગર : શેરબજારમાં ટ્રેડિંગના નામે અને મોટો નફો બતાવી લાખોનું ફ્રોડ કરનાર એક મોટી ગેન્ગને ગાંધીનગરના સાતેજ પાસેથી ગાંધીનગર પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવી છે. જેમાં ગાંધીનગર તથા મહેસાણા જિલ્લાના અલગ અલગ સ્થળોએ નોંધાયેલી ફરિયાદ અને થયેલા ફ્રોડના આધારે પોલીસે કાર્યવાહી કરી છે. 


ટૂંકાગાળા માલામાલ બનાવવા સપના બતાવી શેરબજારમાં રોકાણ નામે છેતરપિંડી આચરતી ગેન્ગનો પર્દાફાશ થયો છે. અલગ-અલગ ગેન્ગ દ્વારા સમગ્ર ભારતમાં શેરબજારમાં રોકાણ કરવા ઇચ્છતા લોકોને ટાર્ગેટ બનાવવામાં આવતા હતા. શેર બજારમાં નફો (પ્રોફીટ) કમાવી આપવાની ટીપ્સ આપવાની લાલચ આપી, તેમની પાસે શેરબજારના નામે અલગ-અલગ બેન્ક એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ તે રૂપિયા ઓનલાઇન ટ્રાન્જેક્શન, એ.ટી.એમ. વિડ્રોલ અને ચેકથી ઉપાડી લેતી અલગ-અલગ ગેન્ગ સક્રીય હોવાની વડનગર, વિસનગર, ખેરાલુ તથા સતલાસણા પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ દાખલ થઇ હતી.   


ગાંધીનગર રેન્જના ડી.આઇ.જી.પી.  વિરેન્દ્રસિંહ યાદવે જણાવ્યું કે ગાંધીનગર તથા મહેસાણા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સંગઠિત ગેન્ગો દ્વારા શેરબજારમાં રોકાણકારોને નફાની લાલચ આપી છેતરપિંડી કરવામાં આવી રહી છે. તેની તપાસ માટે ટીમો બનાવી સાંતેજ ખાતે કોલ સેન્ટરમાં રેડ કરી 29 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. આ તપાસ માટે ગાંધીનગર ડી.વાય.એસ.પી.ની એક ટીમ બનાવી અને 50 જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓને તપાસ માટે આદેશ આપવામાં આવ્યા હતા. જેમાં તપાસ દરમિયાન 42 જેટલા બેન્ક એકાઉન્ટ, 27 કરોડ, 70 જેટલા મોબાઈલ તથા ત્રણ લેપટોપ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે. જેમાં ત્રણ જેટલા માસ્ટરમાં હજી પણ પોલીસથી દૂર છે. 

ઓર્ગેનાઈઝડ ક્રાઈમમાં પ્રથમ ગુનો વડનગર પોલીસ મથકે નોંધાયો હતો. જેની ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી આ સાથે જ મહેસાણા જિલ્લાના અલગ-અલગ પોલીસ મથકે શેરબજારના ઓથા હેઠળ આચરવામાં આવેલી છેતરપિંડી 12 ફરિયાદોની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં 19 ઇસમો વિરૂદ્ધ 3 જાણવા જોગ ગુનો દાખલ કરી 5 આરોપીઓની અટકાયત કરીનેકોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં વધુ તપાસ માટે 5 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા.