જેફ બેઝોસે એમેઝોનના બે અબજ ડોલરના 1.2 કરોડ શેરો વેચ્યા

February 12, 2024

સિએટલ : એમેઝોનના એક્ઝિકયુટીવ ચેરમેન જેફ બેઝોસે ફેડરલ રેગ્યુલેટર્સને જાણ કરી છે કે તેમણે બે અબજ ડોલરની કીંમતના એમેઝોનના ૧.૨ કરોડ શેરો વેચ્યા છે.બેઝોસે યુએસ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનને જણાવ્યું છે કે તેમણે સાત અને આઠ ફેબ્રુઆરીએ એમેઝોનના કુલ ૧,૧૯,૯૭,૬૯૮ શેરો વેચ્યા છે. ઉલ્લેખનીય છે કે બેઝોસે ત્રણ દાયકા અગાઉ એક ગેરેજમાં એમોઝેનની શરૂઆત કરી હતી. બેઝોસ દ્વારા વેચવામાં આવેલા શેરોની કુલ બજાર કીંમત ૨.૦૪ અબજ ડોલર આંકવામાં આવી છે.શેરો ૧૦ લાખથી ૩૨ લાખથી વધુના પાંચ બ્લોક બનાવી વેચવામાં આવ્યા છે. આ અગાઉ બેઝોસે યુએસ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે તે સાત ફેબ્રુઆરીની આસપાસ એમેઝોનના પાંચ કરોડ શેર વેચવા માગે છે જેનું કુલ બજાર મૂલ્ય ૮.૪ અબજ ડોલરની આસપાસ થાય છે.  બેઝોસે રોકેટ કંપની બ્લૂ ઓરિજિન અને પરોપકારી કાર્યોને વધુ સમય આપવાના ઉદ્દેશથી ૨૦૨૧માં એમેઝોનના સીઇઓ પદેથી રાજીનામું આપી દીધું હતું.  યુએસ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ મુજબ તેમના રહેઠાણનું સરનામું સિએટલનું છે. જો કે તેઓ હવે મિયામીમાં રહેશે.