ટ્રેન દુર્ઘટનામાં ગુમાવ્યા પગ, મહિનાઓ સુધી પથારીમાં રહ્યો... હવે ગોલ્ડ મેડલ જીતીને ભારતનું નામ કર્યું રોશન

September 03, 2024

પેરિસ પેરાલિમ્પિક્સમાંથી ભારત માટે સારા સમાચર સામે આવી રહ્યા છે. પેરા બેડમિન્ટન ખેલાડી નિતેશ કુમાર પુરુષ સિંગલની SL3 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યો હતો. ફાઇનલમાં નિતેશે ગ્રેટ બ્રિટનના ડેનિયલ બેથેલને 21-14, 18-21, 23-21થી હરાવ્યો હતો. નીતિશને અહીં સુધી પહોંચવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. કારણ કે એક સમય એવો હતો જ્યારે તે મહિનાઓ સુધી પથારીવશ હતો અને તેની હિંમત હારી ગયો હતો. જ્યારે નિતેશ 15 વર્ષનો હતો, ત્યારે તેના જીવનમાં એક દુઃખદ ઘટના બની હતી. તેણે વર્ષ 2009માં વિશાખાપટ્ટનમમાં એક ટ્રેન અકસ્માતમાં પોતાનો પગ ગુમાવ્યો હતો. પથારીવશ થવાના કારણે નિતેશ ખૂબ જ હતાશ થઈ ગયો હતો. તે જયારે IIT-મંડીમાં અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે તેને બેડમિન્ટન વિશે ખબર પડી અને પછી આ જ રમત તેની શક્તિનો સ્ત્રોત બની ગઈ હતી. આ સમયગાળાને યાદ કરતાં તેણે જણાવ્યું હતું કે, મારું બાળપણ થોડું અલગ રહ્યું હતું. હું ફૂટબોલ રમતો હતો અને પછી મારી સાથે આ અકસ્માત થયો. મારે રમતગમતને કાયમ માટે છોડી દેવી પડી અને પછી મે ભણવામાં ધ્યાન આપવાનું શરૂ કર્યું. પરંતુ રમતગમત મારા જીવનમાં ફરી પાછી આવી ગઈ. નિતેશે સાથી પેરા શટલર પ્રમોદ ભગત અને સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીની નમ્રતામાંથી પ્રેરણા લઈને પોતાનું જીવન ફરી ઘડવાનું શરૂ કર્યું. તેણે કહ્યું હતું કે, 'પ્રમોદ ભૈયા મારા માટે પ્રેરણાના સ્ત્રોત રહ્યા છે. તેઓ કેટલા કુશળ અને અનુભવી છે તેના કારણે નહીં પણ એક માણસ તરીકે તેઓ કેટલા વિનમ્ર છે તેના કારણે હું તેને મારા પ્રેરણાસ્ત્રોત માનું છું. વિરાટ કોહલીએ જે રીતે પોતાને એક ફિટ એથલીટમાં પરિવર્તિત કર્યો છે તેની હું પ્રશંસા કરું છું. હવે તે ખૂબ જ ફિટ અને શિસ્તબદ્ધ છે.'