'મલ્લિકાર્જુન ખડગે રાહુલ ગાંધી વિરોધી', આવુ કેમ બોલ્યા ગિરિરાજ સિંહ ?

September 30, 2024

જમ્મુ કાશ્મીરના બિલાવરમાં સભા સંબોધતી વખતે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની તબિયત લથડી હતી. જે બાદ તેમણે આ બાબતે પીએમ મોદીના નામનો ઉલ્લેખ કરીને એક નિવેદન આપ્યુ હતું જેને લઇને ભાજપમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે આ મામલે હવે કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે મલ્લિકાર્જુ ખડગેને રાહુલ ગાંધી વિરોધી ગણાવ્યા હતા.

બિહારના બેગુસરાય પહોંચેલા કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે ફરી એકવાર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે એવું લાગી રહ્યું છે કે મલ્લિકાર્જુન ખડગે રાહુલ ગાંધીના વિરોધી છે. તેથી જ તેઓ વિચાર્યા વિના નિવેદનો આપી રહ્યા છે. હું ખડગે સાહેબને કહેવા માંગુ છું કે નરેન્દ્ર મોદી 100 વર્ષ જીવશે અને ત્યાં સુધીમાં રાહુલ ગાંધી વૃદ્ધ થઈ જશે.

તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી લોકોના દિલ સાથે જોડાયેલા છે. લોકો પણ તેમને દિલથી પ્રેમ કરે છે. તેથી લાગે છે કે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેનું સપનું માત્ર સપનું જ રહી જશે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જમ્મુ-કાશ્મીરમાં એક જનસભાને સંબોધિત કરતા કહ્યું હતું કે તેઓ જલ્દી મૃત્યુ પામવાના નથી. જ્યાં સુધી પીએમ મોદીને સત્તા પરથી હટાવે નહીં ત્યાં સુધી તેઓ જીવિત રહેશે.