મનમોહન સિંહ મૌન નહોતા, તે વાતો ઓછી કામ વધુ કરતા હતા...' અધીર રંજન ચૌધરીનો ભાજપ પર કટાક્ષ

September 18, 2023

સંસદનું વિશેષ સત્ર આજથી શરુ થઇ ચુક્યું છે. જૂની સંસદમાં આજે છેલ્લી વખત સત્રની કાર્યવાહી થઇ રહી છે. અ અવસર પર લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને જવાહર લાલ નહેરુનું નામ લઈને ભાજપ પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, 'મનમોહન સિંહ મૌન નહોતા રહેતા. તેઓ વાત ઓછી અને કામ વધારે કરતા હતા.

અધીર રંજન ચોધરીએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું હતું, 'જયારે G20 સંમેલન થતું હતું ત્યારે પણ તે કહેતા હતા કે આ આપણા દેશમાં સારું છે.' કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચોધરીએ વધુમાં કહ્યું હતું કે, 'જવાહરલાલ નેહરુની સાથે બંધારણ સભાના દરેક સભ્યે શપથ લીધા હતા કે અમે દેશને આગળ લઈ જઈશું. નેહરુની દૂરંદેશી અને વિક્રમ સારાભાઈના નેતૃત્વ હેઠળ ISROની સ્થાપના થઈ હતી. વર્ષ 1975માં દેશે પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ લોન્ચ કર્યો હતો, પરંતુ આજે ભારત અને INDIA જેવી વાતો કરવામાં આવી રહી છે.

અધીર રંજન ચોધરીએ કહ્યું હતું કે પંડિત જવાહરલાલ નેહરુને 'આધુનિક ભારતના નિર્માતા' અને બાબા સાહેબ આંબેડકરને 'બંધારણના પિતા' કહેવામાં આવે છે. સારું આજે પંડિત નેહરુ વિશે વાત કહેવાની તક મળશે તે જાણીને ખુબ સારું લાગ્યું હતું.

અધીર રંજન ચોધરીએ વધુમાં કહ્યું હતું કે જયારે ખબર છે કે જૂની સંસદમાં આજે આ છેલ્લી કાર્યવાહી છે તો ભાવુક થવું સ્વાભાવિક છે. લોકશાહીના રક્ષણમાં કોણ જાણે કેટલા જ્ઞાનીઓ, પંડિતો અને વિદ્વાનોનોએ યોગદાન આપ્યું હશે. આપણા ઘણા પૂર્વજો આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. અમે તેમને યાદ કરતા રહીશું.