મનરેગા હેઠળ સાડી પહેરીને પુરુષોએ મહિલાઓની જેમ કામ કરી આચર્યું કૌભાંડ, ફોટો વાઈરલ થતા ખુલાસો

April 12, 2025

કર્ણાટકના યાદગીર જિલ્લાના માલદાર ગામમાંથી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા) હેઠળ વેતન કૌભાંડનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં કેટલાક પુરુષ મજૂરો સાડી પહેરીને મહિલાઓના નામે કામ કરતા હતા, જ્યારે વાસ્તવિક મહિલા કામદારો બિલકુલ કામ કરતી ન હતી. આ છેતરપિંડી ડ્રેઇન ઊંડા કરવાના પ્રોજેક્ટ દરમિયાન ત્યારે પ્રકાશમાં આવી જ્યારે કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ. આમાં પુરુષો સાડી પહેરીને કામ કરતા જોવા મળ્યા હતા. આ કામ મલ્લાર ગામના ખેડૂત નિંગાપ્પા પૂજારીના ખેતરમાં ચાલી રહ્યું હતું અને પ્રોજેક્ટનો કુલ ખર્ચ ₹3 લાખ હોવાનું કહેવાય છે. જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) લવેશ ઓરાડિયાએ કૌભાંડની પુષ્ટિ કરતા કહ્યું, 'સ્થળ પર નોંધાયેલા પુરુષ અને સ્ત્રી કામદારોની સંખ્યા સત્તાવાર રેકોર્ડ સાથે મેળ ખાતી નથી. રેકોર્ડ મુજબ, 6 પુરુષો અને 4 મહિલાઓ કામ પર હતી, પરંતુ મહિલાઓને બદલે, સાડી પહેરેલા પુરુષોએ કામ કરીને વેતનનો દાવો કર્યો.' આ કૌભાંડની યોજના વીરેશ નામના 'બેયરફૂટ ટેકનિશિયન' દ્વારા બનાવવામાં આવી હતી, જે પંચાયત વિભાગ સાથે કરાર પર કામ કરતો હતો. તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સીઈઓએ જણાવ્યું હતું કે ફેબ્રુઆરીમાં જ આ અંગે ફરિયાદો મળી હતી અને તેના પર કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે આ પ્રોજેક્ટ હેઠળ અત્યાર સુધી કોઈને પણ વેતન ચૂકવવામાં આવ્યું નથી.
આ અંગે વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે નેશનલ મોબાઈલ મોનીટરિંગ સોફ્ટવેર (NMMS) એપની મદદથી આ હેરાફેરી કરવામાં આવી હતી. જેમાં નકલી ફોટોગ્રાફ્સ અપલોડ કરીને, વાસ્તવિક મજૂરોની જગ્યાએ ખોટા લોકોને હાજર દર્શાવવામાં આવ્યા હતા, જેથી મહિલાઓના નામે નકલી મજૂરી ચૂકવી શકાય.