નર્મદા ઉત્તરવાહિની પરિક્રમામાં અવ્યવસ્થા: ભારે ભીડ ઉમટતા નાવડીઓ ખૂટી, રસ્તો બંધ કરવો પડ્યો

April 13, 2025

નર્મદા : નર્મદા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદી ઘાટ પર 29મી માર્ચથી નર્મદા ઉત્તરવાહીની પરિક્રમાની શરૂઆત થઇ હતી, જે 27મી એપ્રિલ સુધી ચાલશે. ત્યારે શનિવાર (12મી એપ્રિલ) અને રવિવાર (13મી એપ્રિલ)ની રજા હાવાથી નર્મદા પરિક્રમાના રસ્તે માનવ મહેરામણ ઊમટી પડ્યું હતું. ડભોઈ, તિલકવાડાના નાકે અને રાજપીપળા તરફ બે કિલોમીટર સુધીની વાહનોની લાંબી કતાર લાગી હતી. આ ઉપરાંત મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા રસ્તાઓ બંધ કરી દેવાની નોબત આવી હતી. 
રાજ્યમાં શુક્રવારથી સોમવાર સુધી રજા હાવાથી નર્મદા ઉત્તરવાહીની પરિક્રમા માટે શ્રદ્ધાળુઓઓ ઊમટી પડ્યા હતા. ભક્તોની ભારે ભીડના કારણે રામપુરા કીડી મકોડી ઘાટ જવા માટે રાત્રિથી જ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. જેથી હજારો પરિક્રમાવાસીઓ પરિક્રમા કર્યા વગર પરત ફર્યા હતા. 
ઉલ્લેખનીય છે કે, તંત્ર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બસ સેવાની માંગ કરી છે. રેંગણ ઘાટ ખાતેથી પરિક્રમાવાસીઓને નદીની સામે પાર લઈ જવા માટે નાવડીઓ ઓછી પડી છે. જેથી રેંગણ ઘાટ પર ભીડ ઓછી કરવા સ્ટેચ્યુ ઓફ યુનિટીની 13 મિની બસ સેવામાં મૂકાઈ છે.