કોઈ વિદેશી હુમલો થયો નથી- ઈઝરાયેલના પલટવાર બાદ ઈરાનની પહેલી પ્રતિક્રિયા

April 19, 2024

તહેરાન- ઈરાનની ધમકીઓને નજર અંદાજ કરીને ઈઝરાયેલે ઈરાન પર પલટવાર કરી દીધો છે અને તેના કારણે મિડલ ઈસ્ટ ફરી એક વખત ભીષણ યુધ્ધ તરફ ધકેલાઈ રહ્યુ હોય તેમ લાગી રહ્યુ છે. ઈઝરાયેલે ઈસાફહાન શહેર પર ડ્રોન અને મિસાઈલ એટેક કર્યો છે અને તેમાં ઈરાનની ન્યૂક્લિયર સાઈટસને ટાર્ગેટ કરી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.જોકે એ પછી હવે ઈરાને આ હુમલા પર પોતાની પહેલી પ્રતિક્રિયા પણ આપી છે.ઈરાને કહ્યુ છે કે,'અમારી જમીન પર કોઈ જાતનો વિદેશી હુમલો થયો નથી. કોઈ પણ મિસાઈલ ઈરાન પર ત્રાટકી હોવાની ઘટના બની નથી.માત્ર આકાશમાં શંકાસ્પદ વસ્તુ દેખાયા બાદ અમે અમારી એર ડિફેન્સને એક્ટિવ કરી હતી.'


ઈરાનની એક ન્યૂઝ એજન્સીએ કહ્યુ હતુ કે, 'આકાશમાં ઉડી રહેલી કોઈ એક વસ્તુને જોયા બાદ હવાઈ સુરક્ષા માટેની સિસ્ટમને સક્રિય કરવામાં આવી હતી.' જ્યારે ઈરાનના સિવિલ સ્પેસ પ્રોગ્રામના પ્રવકતા હુસેન ડેલિરિયને સોશિયલ મીડિયા પર  ટિપ્પણી કરી હતી કે, 'ઈસાફહાન શહેર પર ઉડી રહેલા ત્રણ ડ્રોનને તોડી પાડવામાં આવ્યા છે.જ્યારે આ શહેરના એક પત્રકારે પણ કહ્યુ હતુ કે, ઈસાફહાનના આકાશમાં સંખ્યાબંધ ડ્રોન દેખાયા હતા અને તેના પર ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ.' ઈરાન પર ઈઝરાયેલના હુમલાને અમેરિકાની ન્યૂઝ ચેનલે સમર્થન આપ્યુ છે અને કહ્યુ છે કે, ઈસાફહાન શહેરના એરપોર્ટ પાસે 3 ધડાકા સંભળાયા હતા.જ્યાં આ વિસ્ફોટ થયા છે તેની નજીક ઈરાનનુ મિલિટરી બેઝ છે તથા ઈરાનની વાયુસેનાના લડાકુ વિમાનો પણ નજીકમાં જ તૈનાત છે.
બીજી તરફ કેટલાક નિષ્ણાતોએ કહ્યુ હતુ કે, ઈઝરાયેલ પર વળતા જવાબ તરીકે ફરી હુમલો ના કરવો પડે તે માટે ઈરાનની સરકાર ઈઝરાયેલે એટેક કર્યો હોવાનુ સ્વીકારી રહી નથી.