જૂનાગઢમાં ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ, ભાજપના નેતાઓની સરકાર સામે ગર્જના

October 04, 2024

ઇકો ઝોન રદ કરવા 196 ગ્રામ પંચાયતોનો સામૂહિક ઠરાવ


જૂનાગઢ : ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો વધુને વધુ સળગતો બની રહ્યો છે. ઇફકોના ચેરમેન અને ભાજપના નેતા દિલીપ સંઘાણી ખુલ્લીને મેદાનમાં આવ્યા છે. તેમણે ઇકો ઝોન મુદ્દે વનતંત્રને આડે હાથ લીધા છે અને દરેક જન પ્રતિનિધિઓને ગામેગામથી વિરોધ કરવા આહ્વાન કર્યુ છે. ભાજપના જ નેતા હર્ષદ રિબડીયાએ ઇકો ઝોનના કારણે ખેડૂતો વન વિભાગના ગુલામ બની જશે તેવી ભીતિ દાખવી, તો ભારતીય કિસાન સંઘે પણ ખેડૂતો માટે આંદોલનની તૈયારીઓ કરી છે. તો બીજી તરફ ખેડૂતો, ગ્રામ પંચાયતો, ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે બાંયો ચઢાવી છે. અમરેલી, જૂનાગઢ અને ગીર-સોમનાથ જીલ્લાના 11 તાલુકાના 196 ગામને ઇકો સેન્સિટિવ ઝોન હેઠળ સમાવેશ કરવા માટે ડ્રાફ્ટ નોટીફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ઇકો ઝોન લાગુ થયા બાદ ખેડૂતો અને ગીરના ગામડાઓને ખૂબ મોટી મુશ્કેલી સર્જાય તેમ હોવાનો ભાજપના જ નેતાઓનો સૂર છે. જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખે ઇકો ઝોન રદ કરવા માંગણી કરી છે. 


કેન્દ્ર સરકાર દ્વારા ગીર નેશનલ પાર્ક અને અભયારણ્ય, પાણીયા, મિતીયાળાની ફરતી તરફ ઇકો સેન્સિટીવ ઝોન જાહેર કરવાની ગતિવિધીઓ ચાલી રહી છે, જેમાં ત્રણ જિલ્લાના 11 તાલુકાના 196 ગામનો સમાવેશ થવાનો છે. આ તમામ ગામમાં આજે એકીસાથે ઇકો સેન્સિટિવ ઝોનને રદ કરવાની માંગણી સાથેના ઠરાવ ગ્રામ સભાઓમાં કરવામાં આવ્યા છે. આટલો મોટો વિરોધ આઝાદી બાદ કદાચ પ્રથમવાર જ થયો હશે. ગ્રામસભાઓમાં એકીસાથે ઠરાવ થતાં સરકાર અને વન વિભાગમાં અંદરખાને ભારે દોડધામ મચી ગઈ છે. ઇકો સેન્સિટીવ ઝોન લાગુ કરવા માટે જાહેરનામું બહાર પાડવાની સાથે જ ગીર પંથકમાં વિરોધનો સૂર ઉઠવા માંડ્યો હતો. ગામડાના લોકો વન વિભાગની નીતિ-રીતિથી ત્રસ્ત બની ગયા છે. ઇકો ઝોનનો વિરોધ ઉગ્ર બની ગયો છે. કોઈપણ ભોગે ગામડાઓમાં ઇકો સેન્સિટીવ ઝોન લાગુ ન થાય તેના માટે સ્થાનિકો અને આગેવાનો મક્કમ બની ગયા છે. ત્રણ જિલ્લાના 11 તાલુકાના ઇકો સેન્સિટિવ ઝોનમાં આવતા 196 ગામડાઓમાં એકી સાથે ઇકો ઝોનનો વિરોધ કરતાં સામૂહિક ઠરાવ કરવામાં આવ્યા છે. ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે સરકાર અને સ્થાનિકો આમનેસામને આવી ગયા છે.