પાકિસ્તાન: તોશાખાના કેસમાં પૂર્વ PM ઈમરાન ખાનની ધરપકડની આશંકા

March 05, 2023

- આરબ દેશોની મુલાકાત દરમિયાન તેમને ત્યાંના શાસકો પાસેથી મોંઘીદાટ ભેટો મળી હતી


ઈસ્લામાબાદ- પોલીસ ધરપકડ વોરંટ સાથે લાહોર સ્થિત પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના ઘરે પહોંચી છે. ઈસ્લામાબાદ પોલીસ રવિવારે તોશાખાના કેસના સંબંધમાં ધરપકડ વોરંટ સાથે પીટીઆઈ અધ્યક્ષ ઈમરાન ખાનના ઝમાન પાર્ક સ્થિત નિવાસસ્થાને પહોંચી છે.  ઈમરાન ખાનના ઘરમી બહાર તેમના સમર્થકોનો ભારે જમાવડો છે. ડિશનલ સેશન જજ ઝફર ઈકબાલે ઈસ્લામાબાદમાં 28 ફેબ્રુઆરીએ પૂર્વ વડાપ્રધાન સામે બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જારી કર્યું હતું. 28 ફેબ્રુઆરીએ ઈમરાન ખાનને અનેક મામલામાં હાજર કરવામાં આવ્યા હતા. અલગ-અલગ કોર્ટમાં સુનાવણી પણ થઈ હતી.


તેમને ઘણી જગ્યાએથી રાહત પણ મળી છે. પરંતુ તોશાખાના કેસમાં તેમના પર ધરપકડની તલવાર લટકી રહી છે. ઈમરાન ખાન 28 ફેબ્રુઆરીએ ચાર અલગ-અલગ કેસમાં હાજર થવાના હતા. તેઓ સુનાવણી માટે બાકીના સ્થળોએ પહોંચ્યા હતા પરંતુ તોશખાના કેસ દરમિયાન સુનાવણીમાં હાજર રહ્યા ન હતા. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની કોઈપણ સમયે ધરપકડ થઈ શકે છે. અદાલતે ઈમરાન ખાન પર સરકારી તિજોરી (તોશાખાના)માંથી કરોડો રૂપિયાની ભેટ સસ્તામાં વેચવાનો આરોપ મૂક્યો હતો ત્યારબાદ તેની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું હતું.


તોશખાના એ કેબિનેટનો એક વિભાગ છે જ્યાં અન્ય દેશોની સરકારો રાજ્યોના વડાઓ અને વિદેશી મહેમાનો દ્વારા આપવામાં આવતી કિંમતી ભેટો રાખવામાં આવે છે. નિયમો પ્રમાણે તોશખાનામાં અન્ય દેશના નેતાઓ અથવા મહાનુભાવો પાસેથી મળેલી ભેટો રાખવી જરૂરી છે. ઈમરાન ખાન વર્ષ 2018માં પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા હતા. આરબ દેશોની મુલાકાત દરમિયાન તેમને ત્યાંના શાસકો પાસેથી મોંઘીદાટ ભેટો મળી હતી.