એપ્રિલમાં રિટેલ ફુગાવો ઘટીને 4.7 ટકા 18 મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો

May 13, 2023

ઇકોનોમી માટે ફરી એકવાર સારા સમાચાર આવી રહ્યા છે. એપ્રિલ મહિનામાં રિટેલ ફુગાવાનો દર ઘટીને 4.70 ટકા થયો છે. જે 18 મહિનાની નીચામાં નીચી સપાટીએ છે. માર્ચમાં મોંઘવારીનો દર 5.66 ટકા રહ્યો હતો. સતત ત્રીજા મહિને ફુગાવામાં ઘટાડો થયો છે. શાકભાજી અને ખાદ્યચીજોના ભાવમાં ઘટાડો થતા આમ આદમીને મોંઘવારીમાં થોડી રાહત મળી છે.

આ અગાઉ છેલ્લે ઓક્ટોબર 2021માં ફુગાવો ઘટયો હતો જ્યારે તેનો દર 4.50 ટકા હતો. ખાદ્ય ચીજવસ્તુઓ તેમજ વીજળી અને ઈંધણનાં બાવમાં ઘટાડાને કારણે રિટેલ ફુગાનો ઘટયો હતો. શાકભાજીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. કન્ઝયુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI) માં ખાદ્ય પદાર્થોનું વેઈટેજ 50 ટકા જેટલું છે.

સપ્લાય ચેનમાં થઈ રહેલો સુધારો તેમજ કોમોડિટીઝના ભાવમાં રાહતનો ફાયદો લોકોને થયો હતો અને મોંઘવારીમાં તેમને રાહત મળી હતી. ફુગાવો ઘટયા પછી હવે વ્યાજ દરમાં ઘટાડાની આશા સેવાઈ રહી છે. 6થી 8 જૂન વચ્ચે RBIની બેઠક મળવાની છે ત્યારે વ્યાજ દરમાં રાહત આપવામાં આવે તેવી અટકળો સેવાઈ રહી છે.