યુટ્યુબર્સ અને ઈન્ફ્લુએન્સર્સ માટે બનાવાશે નિયમો, સુપ્રીમ કોર્ટના કેન્દ્ર સરકારને નિર્દેશ- NBSAની સલાહ લો

August 26, 2025

દેશભરના યુટ્યુબર્સ અને ઈન્ફ્લુએન્સર્સ માટે એક મોટા સમાચાર આવ્યા છે. સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે તે સોશિયલ મીડિયા પર પોસ્ટ થતા તમામ કન્ટેન્ટને નિયંત્રિત કરવા માટે તૈયાર કરેલા દિશાનિર્દેશોનો રેકોર્ડ કોર્ટમાં રજૂ કરે. આ સાથે કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે આ દિશાનિર્દેશો ન્યૂઝ બ્રોડકાસ્ટિંગ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી (NBSA) સાથે વિચાર-વિમર્શ કરીને જ તૈયાર કરવામાં આવે. હવે આ મામલાની આગામી અને મહત્ત્વપૂર્ણ સુનાવણી નવેમ્બરમાં થશે. સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પર અભિવ્યક્તિની સ્વતંત્રતાના દુરુપયોગ અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે ઈન્ફ્લુએન્સર્સ આ સ્વતંત્રતાનું વ્યાપારીકરણ કરી રહ્યા છે, જેનાથી દિવ્યાંગ, મહિલાઓ, બાળકો, વરિષ્ઠ નાગરિકો અને લઘુમતીઓની લાગણીઓને ઠેસ પહોંચી શકે છે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે કેન્દ્રને આ અંગે નિર્દેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે પોડકાસ્ટ જેવા ઓનલાઈન શો સહિત સોશિયલ મીડિયા પરના આચરણને નિયંત્રિત કરવા માટે રાષ્ટ્રીય પ્રસારણકર્તાઓ અને ડિજિટલ એસોસિએશન્સ સાથે મળીને દિશાનિર્દેશો તૈયાર કરવામાં આવે. એડવોકેટ નિશા ભમ્ભાણીએ આ કેસમાં ડિજિટલ એસોસિએશનનું પ્રતિનિધિત્વ કર્યું. કોર્ટે કહ્યું કે આ દિશાનિર્દેશોનો હેતુ અભિવ્યક્તિની સ્વતંત્રતા અને સમાજના વિવિધ વર્ગોના સન્માનપૂર્ણ જીવનના અધિકાર વચ્ચે સંતુલન જાળવવાનો હોવો જોઈએ. આ ટિપ્પણી એવા સમયે આવી જ્યારે કોર્ટ કોમેડિયન સમય રૈના વિરુદ્ધ દિવ્યાંગ વ્યક્તિઓ વિશે સંવેદનહીન મજાક કરવાના કેસની સુનાવણી કરી રહી હતી. કોર્ટે આને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો દુરુપયોગ ગણાવ્યો. જસ્ટિસ બાગચીએ કહ્યું, 'હસવું એ જીવનનો એક અભિન્ન ભાગ છે, પરંતુ હળવાશમાં સંવેદનશીલતાનું હનન ન થવું જોઈએ. આપણે વિવિધ સમુદાયોનો દેશ છીએ.'  તેમજ આ અંગે જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે, 'દિવ્યાંગો પર મજાક કરવાથી તેમને મુખ્ય પ્રવાહમાં લાવવાનો બંધારણીય ઉદ્દેશ્ય જ સમાપ્ત થઈ જાય છે.'