સેન્સેક્સ અને નિફ્ટી ઐતિહાસિક ટોચે, 169 સ્ક્રિપ્સ વર્ષની ટોચે

April 08, 2024

શેરબજારમાં નવા સપ્તાહની શરૂઆતમાં નિફ્ટી50 અને સેન્સેક્સ ઐતિહાસિક ટોચ નોંધાવી આકર્ષક શરૂઆત કરી છે. સેન્સેક્સ 410.73 પોઈન્ટના ઉછાળા સાથે 74658.95ની, જ્યારે નિફ્ટી50 109.25 પોઈન્ટ વધી 22623.90ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યા છે. આ સાથે માર્કેટ કેપ 400 લાખ કરોડની સપાટી વટાવી છે.

10.15 વાગ્યા સુધી, બીએસઈ ખાતે કુલ 169 સ્ક્રિપ્સ વર્ષની ટોચે પહોંચી છે, જ્યારે 207થી વધુ શેરોમાં અપર સર્કિટ વાગી છે. સેન્સેક્સ પેકની 24 સ્ક્રિપ્સ 3 ટકા સુધી સુધારા સાથે ટ્રેડ થઈ રહી છે. એસબીઆઈ, બજાજ ફાઈનાન્સ, નેસ્લે, એચડીએફસી બેન્ક, ટાઈટન અને વિપ્રોમાં પ્રોફિટ બુકિંગ વધતાં નજીવા ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે.

મિડકેપ ઈન્ડેક્સ 282.62 પોઈન્ટ ઉછાળા સાથે 41113.16ના રેકોર્ડ ટોચે પહોંચ્યો હતો. ઈન્ડેક્સમાં ટ્રેડેડ 71 સ્ક્રિપ્સ 2 ટકાથી 10 ટકાથી વધુ ઉછાળા સાથે ટ્રેડ થઈ રહી હતી. જ્યારે 55 શેરો 2 ટકા સુધી ઘટાડે કારોબાર થઈ રહ્યા છે. 

લાર્જ કેપ સહિત મીડકેપ શેરોમાં પણ તેજી નોંધાઈ છે. બેન્કિંગ, ફાઈનાન્સ અને ઓટો સહિતના શેરોમાં તેજી સાથે ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઈન્ડસ્ટ્રીયલ્સ, ટેલિકોમ્યુનિકેશન્સ, મીડકેપ અને સર્વિસિઝ ઈન્ડેક્સ સર્વોચ્ચ ટોચે પહોંચ્યો છે. વ્યાજદરો જળવાઈ રહેતાં રિયાલ્ટી સેગમેન્ટ પોઝિટીવ નોટ સાથે વર્ષની ટોચે પહોંચ્યુ છે.


આ સપ્તાહે 2023-24ના ચોથા ત્રિમાસિક પરિણામો જારી કરવાની સિઝન શરૂ થવા જઈ રહી છે, જેમાં પોઝિટીવ આઉટલુક સાથે રોકાણકારો રોકાણ વધારી રહ્યા છે. ટોચની આઈટી કંપનીઓના પરિણામો પર મુખ્ય નજર રહેશે. આરબીઆઈ દ્વારા પણ સકારાત્મક માહોલની જાહેરાતના પગલે સ્થાનીય સ્તરે સેન્ટિમેન્ટ પોઝિટીવ જોવા મળી રહ્યું છે. જ્યારે વૈશ્વિક સ્તરે પણ ફેડ દ્વારા વ્યાજદરોમાં ઘટાડાની અપેક્ષાની પગલે વિદેશી રોકાણ વધવાનો આશાવાદ માર્કેટ નિષ્ણાતો આપી રહ્યા છે. વોલેટાલિટીમાં નીચા મથાળેથી ખરીદી વધારવા સલાહ આપી રહ્યા છે.