ઈટાલીના ઈશ્ચિયા ટાપુ પર ભૂસ્ખલનથી નવજાત શિશુ સહિત સાત લોકોના મોત

November 28, 2022

- 30થી વધુ મકાનો ડૂબ્યા, 200 થી વધુ લોકોને વિસ્થાપિત કરાયા


ઈટાલીના ઈશ્ચિયા ટાપુ પર ભૂસ્ખલન બાદ રેસ્ક્યુ ટીમે માટીના કાટમાળ નીચે દટાયેલા સાત મૃતદેહોને બહાર કાઢ્યા હતા. જેમાં ત્રણ સપ્તાહના નવજાત શિશુનો પણ સમાવેશ થાય છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. સૂત્રો અનુસાર, કાસામિક્કિઓમાં એક મોટા ભૂસ્ખલન પછી પાંચ લોકો હજુ પણ ગુમ છે, જે કાટમાળ હેઠળ દટાયેલા હોવાનું માનવામાં આવે છે. ભૂસ્ખલનને કારણે ઇમારતો ધરાશાયી થઇ હતી અને દરિયા કિનારે પાર્ક કરાયેલા વાહનો ધોવાઇ ગયા હતા. જેમાં અત્યાર સુધીમાં સાત મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.


ભૂસ્ખલન પછી, નાના બુલડોઝરોએ બચાવ માટે જતા વાહનોનો રસ્તો સાફ કરવા માટે પહેલા રસ્તાઓ સાફ કર્યા. જ્યારે દરિયામાં ધોવાઈ ગયેલી કારની તપાસ માટે ડાઈવર્સની ટીમ તૈનાત કરવામાં આવી હતી. પડોશી શહેર લાકો એમેનોના મેયર ગિયાકોમો પાસ્કેલે RAIને જણાવ્યું હતું કે, "અમે દુઃખી મન સાથે શોધ ચાલુ રાખી છે, લાપતા લોકોમાં સગીરો પણ છે. 30 ઘરો પાણીમાં ડૂબી ગયા હતા અને 200થી વધુ ઘરો વિસ્થાપિત કરાયા છે. જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે.