સિડનીમાં ક્વાડ દેશોની સમિટ, જો બાઈડન અને નરેન્દ્ર મોદી વચ્ચે થશે મુલાકાત

April 26, 2023

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન જાપાનના હિરોશીમામાં 19 થી 21 મેના રોજ  યોજાનારા જી-7 શિખર સંમેલનમાં ભાગ લેશે તેવી જાણકારી વ્હાઈટ હાઉસે આપી છે.એ પછી બાઈડન ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ક્વાડ દેશોના નેતાઓ વચ્ચેની બેઠમાં હાજરી આપશે. જ્યાં તેઓ જાપાનના પીએમ ફુમિયો કિશિદા, ભારતના પીએમ નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની એલ્બનીઝને મળશે.ક્વાડ દેશના નેતાઓની ઈન પર્સન સમિટનુ ત્રીજી વખત આયોજન થઈ રહ્યુ છે અને આ વખતે ઓસ્ટ્રેલિયા તેની યજમાની કરી રહ્યુ છે. ક્વાડ દેશોની બેઠક માટે પીએમ મોદી ચાર દિવસ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. આ દરમિયાન 23 મેના રોજ સિડનીમાં તેઓ ભારતીય સમુદાયને સંબોધિત કરશે. ક્વાડ બેઠકમાં ભાગ લેનારા બીજા દેશો સાથે ઈન્ડિયન અને પેસિફિક ઓસનમાં પરસ્પરના હિત માટેના મુદ્દાઓ પર ચર્ચા થશે. આ સિવાય અંતરિક્ષ, ક્લાઈમેટ ચેન્જ, સાઈબર સિક્યુરિટી તેમજ હેલ્થના ક્ષેત્રમાં પરસ્પર સહયોગ અંગે ચર્ચા થશે. ક્વાડ દેશોમાં ચાર દેશો ભારત, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને જાપાન સામેલ છે.2007માં જાપાનના પીએમ શિન્જો આબેની પહેલ પર આ ગ્રુપની રચના કરવામાં આવી હતી. જોકે ચીનના વિરોધના કારણે 2010માં ઓસ્ટ્રેલિયા તેમાંથી નીકળી ગયુ હતુ. 2017માં ફરી આ સંગઠનને જીવંત કરવામાં આવ્યુ હતુ. ક્વાડનો ઉદ્દેશ ઈન્ડિન અને પેસિફિક ઓસન વિસ્તારમાં ચીનના વર્ચસ્વને ખતમ કરવાનો છે.આ પહેલા અમેરિકન પ્રમુખ જી-7 દેશોની સમિટિમાં પણ ભાગ લેશે. આ દેશોમાં અમેરિકા, જર્મની, ઈટાલી, બ્રિટેન, અમેરિકા, ફ્રાન્સ, જાપાન અને કેનેડાનો સમાવેશ થાય છે. આ ગ્રુપની સ્થાપના 1975માં થઈ હતી. આ સંમલેનમાં બીજા દેશોના પ્રતિનિધિઓને પણ આમંત્રણ અપાતુ હોય છે. ગયા વર્ષે પીએમ મોદીએ તેમાં હાજરી આપી હતી.