ચેન્નાઇથી નેપાળ સુધી નકલી દવાઓની સિન્ડીકેટ : રૂ.450 કરોડનું ટર્નઓવર

August 26, 2025

આગ્રા : નકલી દવા સિંડિકેટનો પર્દાફાશ થયા પછી અનેક તથ્યો સામે આવ્યા છે. લાંચના એક કરોડ રૂપિયાની સાથે એસટીએફ દ્વારા ધરપકડ કરાયેલા દવાના વેપારી હિમાંશુ અગ્રવાલની પૂછપરછમાં સામે આવ્યું છે કે નકલી દવાની સિંડિકેટ ચેન્નાઇથી નેપાળ સુધી ફેલાયેલી છે. દક્ષિણના એક મોટા દવા માફિયાની સાથે મળી આગ્રાના દવા માફિયા નકલી દવા તૈયાર કરી નેપાળ, બાંગ્લાદેશ સહિત ૧૨ દેશોમાં સપ્લાય કરી રહ્યાં હતાં. શુક્રવાર રાતે લખનઉની કંપનીના નામે ૧૦ લાખના બિલ પર પુડુચેરીની કંપનીનું ૮૭ લાખ રૂપિયાની નકલી દવાઓ મોકલવામાં આવી હતી. સ્પેશિયલ ટાસ્ફ ફોર્સ (એસટીએફ) અને દવા વિભાગની ટીમે ૩.૩૭ કરોડ રૂપિયાની નકલી દવા જપ્ત કરી છે. લખનઉ સ્થિત એસટીએફ હેડ કવાર્ટસને આગ્રા હોલસેલ દવા બજારમાં મલ્ટીનેશનલ  કંપનીઓ સહિત ૬ કંપનીઓના નામે નકલી દવાઓ વેચવાની ફરિયાદ મળી હતી. બે મહિનાથી એસટીએફ અને દવા વિભાગની ટીમ સંપૂર્ણ બિઝનેસ નેટવર્કના તાર શોધવામાં વ્યસ્ત હતી. ટીમને માહિતી મળી હતી કે ચેન્નાઇથી ટ્રેન દ્વારા આવેલ નકલી દવાઓનો જથ્થો રીક્ષાથી બંસલ મેડિકલ અને હે મા મેડિકલ સ્ટોર મોકલવામાં આવી રહી છે. ટીમે રીક્ષાચાલકની પૂછપરછ કરી હતી. ત્યારબાદ બંને મેડિકલ સ્ટોર અને તેના ગોડાઉન સીલ કરી દેવામાં આવ્યા હતાં. શનિવાર સવારે ટીમે હે મા મેડિકોમાંથી મોટા પ્રમાણમાં નકલી દવાઓ પકડી હતી. સંચાલક હિમાંશુ અગ્રવાલે કાર્યવાહી રોકવા માટે એસટીએફને એક કરોડ રૂપિયાની લાંચની ઓફર કરી હતી. હિમાંશુ અગ્રવાલ બેગમાં ૫૦૦-૫૦૦ રૂપિયાની નોટોના બંડલ ભરેલી ત્રણ બેગ લઇને બાઇકથી આવી પહોંચ્યો હતો. ટીમે તે જ સમયે તેની ધરપકડ કરી લીધી હતી. મોડી રાત સુધી મશીનથી નોટોની ગણતરી ચાલુ રહી હતી.