અમેરિકામાં હિંદુ મંદિરનું નિર્માણકાર્ય અટકાવી દેવાયું, મંજૂરીના 11 મહિના બાદ નિયમ બદલી કાઢ્યો

May 24, 2024

લૉસ વેગાસ- અમેરિકાના લૉસ વેગાસના હેન્ડરસન શહેરમાં હિન્દુ મંદિર બનાવવા મામલે ભારે વિવાદ થયો છે. જેમ પાકિસ્તાન ઈસ્લામાબાદમાં હિન્દુ મંદિરનું નિર્માણ થવા દેતું નથી, તેવી જ રીતે હેન્ડરસનમાં હિન્દુ સમાજ પોતાનું મંદિર બનાવવા સંઘર્ષ કરી રહ્યું છે. સ્થાનિક તંત્રએ હેન્ડરસન મંદિર બનાવવાની પહેલા મંજૂરી આપ્યા બાદ હિન્દુ એસોસિએશન દ્વારા નિર્માણ કાર્ય શરૂ કરાયું હતું, જોકે હવે બહાનાઓ કાઢી મંદિરનું નિર્માણકાર્ય અટકાવી દેવાતા હિન્દુઓમાં રોષ ફેલાયો છે. 
મળતા અહેવાલો મુજબ હિન્દુ સમિતિમાં લગભગ એક લાખથી વધુ સભ્યો છે, જેઓ ઘણા વર્ષોથી હેન્ડરસન શહેરમાં મંદિર બનાવવા સંઘર્ષ કરી રહ્યા છે. આ મામલે છેક કોર્ટ સુધી પણ મામલો ગયો હતો અને મંદિર બનાવવા માટે મંજૂરી પણ મળી ગઈ હતી, પરંતુ હવે શહેરના સિટી કાઉન્સિલે મંજૂરીને પરત ખેંચી લઈ નિર્માણ કાર્ય અટકાવી દીધું છે. આ શહેરમાં રહેનારા હિન્દુઓનું કહેવું છે કે, સ્થાનિક તંત્ર હિન્દુઓ સાથે ભેદભાવ કરી રહ્યો છે.
હેન્ડરસનના ગ્રામીણ વિસ્તારમાં પાંચ એકર જમીન પર આનંદ ઉત્સવ નામથી એક મંદિર બનાવવાનો ઘણા વર્ષોથી પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ વર્ષ 2022માં સિટી કાઉન્સિલે સ્થાનિક રહેવાસીઓનો વિરોધ હોવાનું બહાનું આપ્યું હતું અને મંદિર નિર્માણ મંજૂરીને અટકાવી દીધી હતી. આ મામલે અમેરિકન હિન્દુ એસોસિએશનના સભ્ય સતીશ ભટનાગરે એક સમાચાર પોર્ટલને જણાવ્યું કે, ‘હિન્દુઓ માટે હેન્ડરસન ખૂબ જ મહત્વનું સ્થળ છે. ભટનાગર અને બાબા અનલે આ જમીન ચાર લાખ ડૉલરથી વધુની રકમે જમીન ખરીદી હતી.


ભટનાગરે કહ્યું કે, હેન્ડરસનના સમરલિનમાં એક હિન્દુ મંદિર હોવાના કારણે શહેરની બીજી તરફ એક પૂજા-સ્થળ બનાવવા ઈચ્છે છે. તેમણે કહ્યું કે, હિન્દુ સમિતિમાં લગભગ એક લાખથી વધુ સભ્યો છે. ઓગસ્ટ -2022માં મંદિરને મંજૂરી મળી હતી, પરંતુ ત્યારબાદ ઓક્ટોબરમાં સ્થાનિક રહેવાસીઓએ મંજૂરી વિરુદ્ધ અપીલ કરી અને દાવો કર્યો હતો કે, મંદિર નિર્માણના કારણે ગ્રામીણ સંરક્ષણને નુકસાન થશે. જોકે આ વિસ્તારમાં પહેલાથી જ ત્રણ ચર્ચ બનેલા છે.