વાયુસેનાનું હેલિકોપ્ટર અચાનક પાણીમાં ખાબક્યું, બિહારમાં પૂર રાહત સામગ્રી ડ્રોપ કરતા સમયે બની દુર્ઘટના

October 02, 2024

પુણે  : એક જ દિવસમાં બે હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના સામે આવી છે. સવારે મહારાષ્ટ્રના પુણે નજીક હેલિકોપ્ટર ક્રેશ થતાં બે પાયલોટ અને એક એન્જિનિયર સહિત ત્રણના મોત થયા હતા. ત્યારબાદ બિહારના મુઝફ્ફરપુરમાં વાયુસેનાનું હેલિકોપ્ટર ક્રેશ ક્રેશ થઈને પાણીમાં ખાબક્યું હતું. જોકે, એરફોર્સે તેને સાવચેતીભર્યું લેન્ડિંગ ગણાવ્યું છે અને હેલિકોપ્ટરમાં સવાર ત્રણેય કર્મચારીઓ સુરક્ષિત છે.

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, ભારતીય વાયુસેનાએ કહ્યું કે, બિહારના સીતામઢીમાં પૂર રાહત કામગીરી દરમિયાન એડવાન્સ લાઇટ હેલિકોપ્ટરને સાવચેતીભર્યું લેન્ડિંગ કરવું પડ્યું. હેલિકોપ્ટરમાં બે પાઈલટ સહિત ત્રણ જવાન હતા. જોકે, દરેક જણ સુરક્ષિત છે.

સોશિયલ મીડિયા પર હેલિકોપ્ટર ક્રેશ થયા પહેલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, હેલિકોપ્ટર ક્રેશ થતા પહેલા ધૂમાડો જોઈ શકાય છે.

પુણે પાસે આવેલા બાવધનના બુદ્રુક ગામ નજીક  હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાનું સમાચાર છે. આ હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટનામાં 3 લોકોના મોત થયા છે.  જેમાં 2 પાયલોટ અને 1 એન્જિનિયરનો સમાવેશ થાય છે. સ્થાનિક રહીશોએ હેલિકોપ્ટર ક્રેશની  માહિતી પોલીસ કંટ્રોલ રૂમને આપી હતી. પોલીસ અને મેડિકલ ટીમ રવાના કરી દેવામાં આવી છે. 

હેલિકોપ્ટર દુર્ઘટનાના સમાચાર મળતાં જ ફાયર બ્રિગેડ, ડિઝાસ્ટર રાહત ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. ઘટના સવારે સાત વાગ્યાની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ધુમ્મસના લીધે હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટના સર્જાઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે આ મામલે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. તપાસ જ ઘટનાનું સાચું કારણ સામે આવશે.