જ્યૂસમાં ઝેર મેળવીને પ્રેમીની હત્યા કરી, કોર્ટે ફાંસીની સજા સંભળાવી

January 21, 2025

કેરળની એક અદાલતે 24 વર્ષની એક યુવતીને પોતાના પ્રેમીની હત્યાના આરોપમાં મૃત્યુદંડની સજા સંભળાવી છે. બે વર્ષ પહેલાં વર્ષ 2022માં આ હત્યા થઇ હતી. નેય્યાટ્ટિંકારાના અધિક જિલ્લા સત્રીય કોર્ટે સોમવારે ગ્રીષ્માને મૃત્યુદંડની અને તેના કાકા નિર્મલકુમાર નાયરને ત્રણ વર્ષની જેલની સજા સંભળાવી હતી.

ગ્રીષ્મા તે યુવક સાથે સંબંધ તોડવા માંગતી હતી. પ્રેમીના ફોનમાં રહેલા ખાસ પળોના દૃશ્યો દૂર કરવા કહ્યું હતું. કોર્ટમાં ગ્રીષ્માએ તેના અભ્યાસકાળ કે તે પહેલાં કોઇ અપરાધ ના કર્યો હોવાનું ટાંકીને સજા ઘટાડવાની માગણી કરી હતી. તેણે એમ પણ કહ્યું કે માતા પિતાની તે એક જ પુત્રી છે. તેને ઓછી સજા આપવામાં આવે.

અદાલતે 586 પાનાના ચુકાદામાં જણાવ્યું કે અપરાધ એટલો ગંભીર છે કે દોષિતની ઉંમર વિષે વિચાર કરવાની જરૂર નથી. વર્ષ 2022માં ગ્રીષ્માએ પોતાના પ્રેમી શેરોન રાજની હત્યા કરી દીધી હતી. શેરોન રાજ થિરૂવનન્થપુરમ જિલ્લાના પરસ્સલા ગામનો વતની હતો. ગ્રીષ્માએ પોતાના કાકાની મદદથી શેરોનને ઝેર આપીને મારી નાખ્યો હતો.

શેરોન ગ્રીષ્મા પર દબાણ કરી રહ્યો હતો. ગ્રીષ્માના લગ્ન ક્યાંક બીજે નક્કી થઇ ગયા હતા. અદાલતે ગ્રીષ્માના કાકાને પુરાવા ખતમ કરવામાં મદદના દોષિત માન્યા હતા. ગ્રીષ્માએ તેના લગ્નના એક મહિના પહેલાં શેરોનને પોતાને ઘેર બોલાવ્યો અને એક આયુર્વેદિક ઔષધી સાથે ઝેર પીવડાવી દીધું. ગ્રીષ્માના ઘેરથી નીકળ્યા પછી તેને બેચેની થવા લાગી અને તે રાતે ખૂબ ઉલટી થઇ. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. મૃત્યુ પહેલાં તેણે શંકા વ્યક્ત કરી હતી કે ગ્રીષ્માએ તેને ઝેર આપ્યું હતું.