કેજરીવાલના રાજીનામા પાછળનું રાજકીય ગણિત, ભાજપ સહિતના પક્ષો પણ સ્તબ્ધ!

September 15, 2024

દિલ્હી : લિકર પોલિસીના કથિત કૌભાંડમાં મહિનાઓ સુધી જેલમાં રહ્યાં બાદ સુપ્રીમ કોર્ટમાંથી જામીન પર બહાર આવેલા કેજરીવાલે પોતાના એક દાવથી બધાને ચોંકાવી દીધા છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે હકીકતમાં કેજરીવાલના રાજીનામા પાછળ સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે, જેમાં તેમને જામીન આપવા કેટલીક શરતો મૂકાઈ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી કાર્યાલય અને દિલ્હી સચિવાલય જઈ શકે નહીં.
તેઓ સરકારી ફાઇલો પર સહી ન કરે, જ્યાં સુધી દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરની મંજૂરી મેળવવા માટે આવું કરવું જરૂરી ન હોય. તેઓ દિલ્હી લિકર સંબંધિત કેસમાં તેમની ભૂમિકા અંગે ટિપ્પણી કરશે નહીં. તેમજ કોઈ સાક્ષી સાથે વાતચીત નહીં કરે. હકીકતમાં સુપ્રીમ કોર્ટે કેજરીવાલને જે શરતો સાથે જામીન આપ્યા છે, તે પ્રમાણે તેઓ દિલ્હીના કોઈપણ કામ અંગે બહાર આવીને કોઈ નિર્ણય લઈ શક્યા નથી. રાજકીય વિશ્લેષકો માનવું છે કે આ જ કારણસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી કરીને દિલ્હીના સીએમની ખુરશી પર અન્ય કોઈ બેસે અને રાજધાનીના તમામ અધૂરા કામો વહેલામાં વહેલી તકે પૂરા કરીને તેઓ ચૂંટણી મેદાનમાં ઉતરી શકે. આ રાજીનામું વિપક્ષના આરોપોના જવાબ તરીકે પણ માની શકાય છે. કેટલાક નિષ્ણાતોના મતે, તેનાથી પાર્ટીને હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં પણ થોડો ફાયદો થઈ શકે છે.