સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં થતાં વિલંબ પર ચિંતા વ્યક્ત કરી

August 26, 2025

સુપ્રીમ કોર્ટે ફરી એકવાર હાઇકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં થતાં વિલંબ પર ચિંતા વ્યક્ત કરી છે. હાઇકોર્ટ સુનાવણી પૂર્ણ થયા બાદ પણ ચુકાદો આપવામાં વધુ સમય લેતી હોવાનો આક્ષેપ કરતાં સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટને ફિટકાર લગાવી હતી કે, આ પરિસ્થિતિ  'ન્યાયિક પ્રક્રિયામાં અરજદારોનો વિશ્વાસ' ખતમ કરે છે. જસ્ટિસ સંજય કરોલ અને પ્રશાંત કુમાર મિશ્રાની બેન્ચે પુનરોચ્ચાર કર્યો હતો કે, જો ચુકાદો અનામત રાખ્યાના ત્રણ મહિનાની અંદર આપવામાં ન આવે, તો રજિસ્ટ્રાર જનરલે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સમક્ષ કેસ રજૂ કરવો જોઈએ, જે સંબંધિત બેન્ચને બે અઠવાડિયામાં પોતાનો નિર્ણય સંભળાવવાનું કહેશે. તેમ છતાં પણ આદેશ પસાર ન થાય, તો ચીફ જસ્ટિસ આ મામલો બીજી બેન્ચને સોંપશે. વધુમાં ઉમેર્યું હતું કે, પ્રત્યેક હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલે નિશ્ચિત સમયગાળામાં ચુકાદો આપવામાં ન આવેલા કેસોની યાદી ચીફ જસ્ટિસ સમક્ષ રજૂ કરવી પડશે. તેમજ દર ત્રણ મહિને આ કામગીરી હાથ ધરવી પડશે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે, અમે વારંવાર આ પ્રકારના કેસોનો સામનો કરી રહ્યા છે. હાઇકોર્ટમાં કેટલાક કેસોની તમામ સુનાવણી પૂરી થયાને ત્રણ મહિનાથી વધુ સમય થયો હોય અને કેટલાક કિસ્સાઓમાં છ મહિનાથી વધુ અથવા તો વર્ષોથી પણ વધુ સમય થયો હોય તો પણ ચુકાદા માટે કેસ પેન્ડિંગ રાખવામાં આવે છે. મોટાભાગની હાઇકોર્ટમાં એવી કોઈ વ્યવસ્થાનો અભાવ છે કે, ચુકાદો આપવામાં થઈ રહેલા વિલંબની ચિંતા સંબંધિત બેન્ચ કે ચીફ જસ્ટિસ સમક્ષ રજૂ કરી શકે, જેના કારણે ન્યાયિક પ્રક્રિયામાંથી અરજદારોનો વિશ્વાસ ઉઠી જાય છે અને ન્યાયના ઉદ્દેશ્યો પર અસર પડે છે. અલ્હાબાદ હાઇકોર્ટમાં 2008થી પેન્ડિંગ ફોજદારી અપીલ સંબંધિત સ્પેશિયલ લીવ પિટિશન(SLP)નો નિકાલ કરતાં સુપ્રીમ કોર્ટે તેને 'અત્યંત આઘાતજનક અને આશ્ચર્યજનક' ગણાવ્યું કે અપીલની સુનાવણીની તારીખથી લગભગ એક વર્ષ સુધી ચુકાદો આપવામાં આવ્યો ન હતો. અલ્હાબાદ હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલના અહેવાલ દ્વારા આ વિલંબની પુષ્ટિ કરવામાં આવી હતી, જેમાં નોંધવામાં આવ્યું હતું કે વિવિધ બેન્ચ સમક્ષ વારંવાર રજૂઆત કરવા છતાં ફોજદારી અપીલ પર કોઈ ચુકાદો આવ્યો નથી.