પૂણેમાં હેલિકોપ્ટર ટેકઓફ સમયે ક્રેશ, બે પાઈલટ સહિત ત્રણ લોકોનાં મોત

October 02, 2024

મહારાષ્ટ્રના પુણેમાં બુધવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. હેલિકોપ્ટર દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ, હેલિકોપ્ટર ઓક્સફોર્ડ ગોલ્ફ કોર્સ પાસે ઉડાન ભરી હતી અને થોડી જ વારમાં અકસ્માતનો ભોગ બન્યો હતો. આ દુર્ઘટનામાં 2 પાયલોટ અને 1 એન્જિનિયર સહિત 3 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

ક્રેશ થયા બાદ હેલિકોપ્ટરમાં આગ લાગી હતી. જેના કારણે ત્રણેયના મૃતદેહ ખરાબ રીતે દાઝી ગયા હતા. હેલિકોપ્ટર સરકારી હતું કે ખાનગી તે હજુ સુધી જાણી શકાયું નથી. મૃતકોની પણ ઓળખ થઈ શકી નથી. ફાયર બ્રિગેડ, PMRDA અને PMCની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

40 દિવસમાં પુણેમાં હેલિકોપ્ટર ક્રેશની બીજી ઘટના છે. આ પહેલા 24 ઓગસ્ટે પુણેના પૌડ વિસ્તારમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ હેલિકોપ્ટર મુંબઈથી હૈદરાબાદ જઈ રહ્યું હતું. તેમાં એક પાયલટ અને ત્રણ મુસાફરો હતા. આ અકસ્માતમાં પાયલોટ ઘાયલ થયો હતો. બાકીના ત્રણ લોકોને ગંભીર ઈજા થઈ હતી.