ક્રિકેટમાં પણ AIનો ઉપયોગ: પાકિસ્તાન ક્રિકેટ ટીમનું સિલેક્શન કરશે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ !

August 28, 2024

પાકિસ્તાન ક્રિકેટ ટીમે બાંગ્લાદેશ સામે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 10 વિકેટથી હારી ગઈ હતી. ટીમના ખેલાડીઓનું ખૂબ જ ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતું. આ પહેલા બંને ટીમ 14 વખત સામસામે આવી ચુકી છે જેમાંથી પાકિસ્તાને 12 વખત જીત મેળવી છે. એક મેચ ડ્રો રહી હતી અને એક મેચ રદ કરવામાં આવી હતી.  હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ AIની મદદથી ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો છે. એટલેકે હવે સારા અને ખરાબ પ્રદર્શન કરનારા ખેલાડીઓ પર AI નજર રાખશે. બોર્ડના અધ્યક્ષ મોહસિન નકવીએ આ પ્લાન અંગે ખુલાસો કરતા કહ્યું કે, તાજેતરમાં જ ઘરેલુ ટૂર્નામેન્ટ માટે 150 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી, જેમાં 80 % ખેલાડીઓની પસંદગી AIની મદદથી કરવામાં આવી હતી અને પસંદગી સમિતિએ માત્ર 20% ખેલાડીઓની પસંદગી કરી હતી. એક પ્રેસ કોન્ફરન્સમાં મોહસીન નકવીએ જણાવ્યું કે, “ડોમેસ્ટિક ટૂર્નામેન્ટના ચેમ્પિયન્સ કપમાં રમી રહેલા ખેલાડીઓનું મૂલ્યાંકન AIની મદદથી કરવામાં આવશે. ચેમ્પિયન્સ કપ સપ્ટેમ્બરમાં સમાપ્ત થશે અને ત્યારબાદ દરેકના રેકોર્ડ બનશે. જેનું પ્રદર્શન સારું નહીં હોય તેને તરત જ બહાર કરી દેવામાં આવશે. અમારી પાસે રેકોર્ડ હશે અને અમે સ્પષ્ટપણે જોઈ શકીશું કે, ટીમમાં કોણ સ્થાન મેળવવા માટે લાયક છે." ચેમ્પિયન્સ કપ 12થી 29 સપ્ટેમ્બર સુધી ઈકબાલ સ્ટેડિયમમાં રમાશે. મહત્વનું છેકે, પાકિસ્તાનમાં છેલ્લી 50 ઓવરની ડોમેસ્ટિક ટુર્નામેન્ટ માર્ચ 2022માં યોજાઈ હતી.