વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાયા, મલ્લિકાઅર્જુન ખડગેએ કર્યું એલાન

September 06, 2024

દિલ્હી : રેસલર વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા આજે સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાયા છે. પાર્ટીમાં સામેલ થવા માટે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેને મળવા પહોંચ્યા હતા. આ મુલાકાત બાદ ખુદ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ તેમના એક્સ એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી. આ મુલાકાત દરમિયાન કોંગ્રેસ મહાસચિવ કે.સી.વેણુગોપાલ પણ હાજર રહ્યા હતા.


કોંગ્રેસમાં જોડાયા બાદ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા હવે કુશ્તીના અખાડા બાદ રાજકારણમાં પણ જોવા મળશે. આ બંને દિગ્ગજ ખેલાડીઓ હરિયાણા વિધાનસભા ચૂંટણીથી ઠીક પહેલાં કોંગ્રેસમાં જોડાયા છે જે કોંગ્રેસ માટે મજબૂતીના સંકેત મનાઈ રહ્યા છે. વિનેશ ફોગાટે કોંગ્રેસમાં જોડાતા પહેલાં રેલવેની સરકારી નોકરી છોડી દીધી છે. આ અંગે પોસ્ટ કરી ફોગાટે જણાવ્યું હતું કે, ભારતીય રેલવેની સેલાવ મારા જીવનનો યાદગાર અને ગૌરવપૂર્ણ સમય રહ્યો છે. હું જાતે જ રેલવે સેવાથી અલગ થવા માગુ છું અને મેં ભારતીય રેલવેના અધિકારીઓને રાજીનામું સોંપ્યુ છે. રેલવે દ્વારા મને દેશ સેવા કરવાની તક આપવા બદલ હું ભારતીય રેલવે પરિવારની આભારી રહીશ. વિનેશ ફોગાટ રેલવેમાં OSD હતા. રિપોર્ટ્સ અનુસાર, રેલવે OSDને વાર્ષિક 15 થી 17 લાખ રૂપિયા મળે છે.