જ્યોત મલ્હોત્રા પર અનેક ખુલાસા, પહેલા પાકિસ્તાન, પછી કાશ્મીરની મુલાકાત

May 19, 2025

હરિયાણાની યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા વિશે એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ સાથે જોડાયેલા જાસૂસી કેસમાં ધરપકડ કરાયેલ મલ્હોત્રા પહેલા પાકિસ્તાન ગઇ હતી, પછી કાશ્મીરની મુલાકાત લીધી અને ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓ (PIOs) સાથે સીધા સંપર્કમાં હતી. હરિયાણા પોલીસના મતે, આ કોઈ 'ટ્રાવેલ વ્લોગર'નો સામાન્ય કેસ નથી પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલું એક ગંભીર કાવતરું છે.

22 એપ્રિલના રોજ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કરવા માટે પાકિસ્તાનની અંદર હાથ ધરવામાં આવેલા ઓપરેશન સિંદૂર દરમિયાન જ્યોતિ મલ્હોત્રાની પ્રવૃત્તિઓ અને સંપર્કો ખાસ કરીને શંકાસ્પદ જણાયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન, તે પીઆઈઓ સાથે સંપર્કમાં હતી અને વોટ્સએપ, ટેલિગ્રામ અને સ્નેપચેટ દ્વારા સંવેદનશીલ માહિતી શેર કરતી હતી.

હિસારના એસપી શશાંક કુમાર સાવને જણાવ્યું હતું કે પહલગામ હુમલા પહેલા જ્યોતિ મલ્હોત્રા કાશ્મીર ગઇ હતી, અને તે પહેલાં પાકિસ્તાનની મુલાકાત પણ લીધી હતી, જે એક પ્રાયોજિત યાત્રા હોવાનું માનવામાં આવે છે. પોલીસ હવે આ યાત્રાઓના પરસ્પર જોડાણ અને હેતુની તપાસ કરી રહી છે. પોલીસે એમ પણ કહ્યું કે તેણી એક વખત ચીનની મુલાકાતે ગઈ હતી અને ત્યાં વિઝા માંગતો એક વીડિયો પણ શેર કર્યો હતો. તે અન્ય ભારતીય યુટ્યુબ પ્રભાવકોના સંપર્કમાં પણ હતી, જેમની પણ હવે પાકિસ્તાની એજન્સીઓ સાથેના શંકાસ્પદ સંબંધો માટે તપાસ કરવામાં આવી રહી છે.