કોરોના અંગે WHOની ચેતવણી... વિશ્વભરમાંથી ક્યારે ખતમ નહીં થાય વાયરસ, ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી રહેશે યથાવત્

February 03, 2023

નવી દિલ્હી : વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના મહાનિર્દેશક ટેડ્રોસ અધનોમ ધેબ્રેયસે કહ્યું છે કે, છેલ્લા 8 અઠવાડિયામાં કોવિડના કારણે 1.70 લાખ લોકોના મોત થયા છે. આ આંકડાઓ રિપોર્ટના આધારે સામે આવ્યા છે. આપણને ખબર છે કે, વાસ્તવિક સંખ્યા આના કરતા ઘણી વધારે હશે. WHOની ઇન્ટરનેશનલ હેલ્થ રેગ્યુલેશન ઇમરજન્સી કમિટીએ કહ્યું, વિશ્વમાંથી કોવિડ-19ના કોરોના વાયરસને ખતમ કરવું લગભગ અશક્ય છે. જોકે શક્ય છે કે, આ વાયરસના ભયાનક રુપને તેમજ મૃત્યુઆંકને ઘટાડી શકીએ છીએ. પરંતુ આ મહામારી વિશ્વભરમાં હેલ્થ ઈમરજન્સી રહેશે.

કમિટીના કહેવા મુજબ, વિશ્વભરની આરોગ્ય સિસ્ટમ કોવિડ સામે સંઘર્ષ કરી રહી છે. આ રોગચાળાના કારણે અન્ય બિમારીઓ પર ધ્યાન આપવું મુશ્કેલ થઈ રહ્યું છે, કારણ કે હજુ પણ કોવિડ પર મુખ્ય ધ્યાન અપાઈ રહ્યું છે. કોવિડના કારણે વિશ્વભરની આરોગ્ય સિસ્ટમ કથળી છે, ઉપરાંત આરોગ્ય સાથે સંકળાયેલા ડોક્ટરો, કર્મચારીઓની અછત અનુભવાઈ રહી છે. ટેડ્રોસ અધનોમ ધેબ્રેસસે સ્પષ્ટ સંદેશ આપતા જણાવ્યું કે, કોરોના વાયરસને ઓછો આંકવો મોટી ભુલ હોઈ શકે છે. આ વાયરસ આપણને સતત આશ્ચર્યમાં મુકી રહ્યો છે ઉપરાંત લોકોને મારવાનો પ્રયાસ કરતો રહેશે. કોવિડથી બચવા માટે વધુમાં વધુ મેડિકલ સાધનો તેમજ મેડિકલ સ્ટાફની જરૂર છે. આ વાયરસ માનવજાત અને પ્રાણીઓ વચ્ચે વસી ગયો છે અને ઘણી પેઢીઓ સુધી અંત નહીં આવે. કોવિડથી બચવા તેમજ લોકોની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે સૌથી મોટી જરૂર રસી અને રસીકરણની છે.